શહેરના આજવા બ્રિજ પાસે ઓમ ઇન્વેસ્ટિગેશન સિક્યુરિટી એજન્સીના નામે વગર લાયસન્સે એજન્સી ચલાવી ગાર્ડને નોકરી પર રાખનાર સંચાલકની એસઓજી દ્વારા અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં એસઓજી દ્વારા લાયસન્સ વિના એજન્સી ચલાવનાર 14 સંચાલકોની અટકાયત કરાઇ છે.
વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં સોસાયટી, સ્કૂલ, ટ્યુશન ક્લાસ અને મોલ સહિતના જગ્યા પર સિક્યુરિટી ગાર્ડ સુરક્ષા માટે તૈનાત કરાતા હોય છે. રાજ્ય બહારથી ગાર્ડને બોલાવી નોકરી પર રાખવામાં આવે છે. જેમાં ઘણીવાર આ લોકો ગુનેગારો પણ હોય છે. ત્યારે આવા સિક્યુરિટી ગાર્ડનું પોલીસ વેરિફિકેશન, તાલીમ, રજિસ્ટર નિયમોનું પાલન કરવાનું હોય છે. પરંતુ ઘણા સંચાલકો દ્વારા તેનું પાલન કરવામાં આવતું નથી. જેને લઇને શહેરના છેવાડાના વિસ્તારમાં આવેલી બિલ્ડિંગ, સોસાયટી, હોટલ અને રેસ્ટોરન્ટમાં સિક્યુરિટી એજન્સીના લાઇસન્સ તેમજ તેમાં નોકરી પર રાખેલા ગાર્ડની તમામ માહિતીનું એસઓજી પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે બાતમી મળી હતી કે આજવા બ્રિજ પાસે આવેલી અમરદીપ બંગ્લોઝ ખાતે ઓમ ઇન્વેસ્ટિગેશન એજન્સીના સંચાલક પંડિત તિવારી વગર લાયસન્સે સિક્યુરિટી ચલાવીને તેમના ગાર્ડને અમરદીપ બંગ્લોઝ તથા અન્ય સોસાયટીમાં ગાર્ડ તરીકે નોકરી રાખ્યા છે. જેથી એસઓજીની ટીમ દ્વારા ઘટના સ્થળ પર જઇને તપાસ કરતા યુનિફોર્મમાં ઉભેલા ગાર્ડના યુનિફોર્મ પર સિક્યુરિટી એજન્સીનો બેઝ લાગેલો ન હતો. નોકરી પર ઉભેલા ગાર્ડ અનુપ બાબુ પીતરોડાને એજન્સી તથા સંચાલક બાબતે પુછતા તેણે છેલ્લા બે વર્ષથી ઓમ ઇન્વેસ્ટિગેશન અને લેબર સપ્લાયર્સમાં નોકરી કરે છે તથા તેમના સંચાલક રમાશંકર સતરામ તિવારી (રહે.સહજાનંદ લેન્ડમાર્ક, સિકંદરપુરા સામે આજવા રોડ વડોદરા) હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ સંચાલકને સ્થળ પર બોલાવીને એજન્સીના લાયસન્સ બાબતે પૂછપરછ કરતા છેલ્લા બે વર્ષથી સાત આઠ જેટલા હથિયારો વગરના ગાર્ડને જુદી જુદી જગ્યા પર નોકરી પર રાખી લાયસન્સ વિના સિક્યુરિટી એજન્સી ચલાવતો હોવાનું જણાવ્યું હતું. જેથી એસઓજી દ્વારા એજન્સીના સંચાલકની અટકાયત કરીને બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે. ઉલ્લેખનીય છે કે એસઓજી દ્વારા અત્યાર સુધીમાં લાયસન્સ વિના એજન્સી ચલાવનાર 14 જેટલા સંચાલકોની અટકાયત કરાઇ છે.