Vadodara

વડોદરા : લીમખેડાના યુવકની હત્યા કરીને લાશ તરસાલી બાયપાસ રોડ ઉપર આવેલા ખેતરમાં ફેંકી દેવાઈ

કપૂરાઈ પોલીસને 13 જૂનના રોજ મળેલી લાશનો પરિવાર મળતા 8 દિવસ બાદ હત્યાનો ગુનો દાખલ

યુવકને માથામાં હિંસક હુમલો કર્યા બાદ ગળું દબાવી પતાવી દીધો હોવાનો પીએમ રિપોર્ટમાં સ્ફોટક ખુલાસો
વડોદરા તારીખ 22
મૂળ લીમખેડાના અને હાલમાં વડોદરા શહેરના સોમા તળાવ વિસ્તારમાં રહેતા મહિલાના પતિની કોઈ શખ્સ દ્વારા કોઈ અગમ્ય કારણોસર બોથડ પદાર્થ વડે માથામાં હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેઓ નીચે ફસડાઈ પડતા ગળું દબાવીને તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા અને લાશ તરસાલી બાયપાસ રોડ ઉપર આવેલા ખેતરમાં ફેંકી દીધી હતી. 13 જુન ના રોજ મળેલી લાશના પરિવારના સભ્યો મળતા 8 દિવસ બાદ હત્યાનો ગુનો દાખલ કરી કપુરાઈ પોલીસે હત્યારાની શોધખોળ શરૂ કરી છે.
મૂળ દાહોદ જિલ્લાના લીમખેડાના અને હાલમાં વડોદરા શહેરના સોમા તળાવ વિસ્તારમાં એમ એમ વોરા શોરૂમની પાછળ માધવ ફ્લેટની નવી બંધાતી સાઈટ ખાતે રહેતા મંજુલાબેન તડવીના પતિ ગોરસિંગભાઇ જોખનાભાઈ તડવી છે ઘણા વર્ષોથી તેમનાથી અલગ વડોદરા ખાતે તરસાલી બ્રીજ નીચે રહેતા અને મજુરીકામ કરતા હતા. 20 જૂનના રોજ મહિલા ના પુત્ર રાહુલ તડવીના મોબાઈલ પર તેના કાકા મનુભાઈ તડવીએ એક લાશના તથા પતિ ગૌરસિંગભાઈ તડવીનો પાસપોર્ટ સાઈઝનો ફોટો મોકલ્યો હતો અને મનુભાઈ તડવીએ આ ફોટા તારા પિતાજીના છે કે કેમ ? ને ઓળખીને જણાવ. જેથી પુત્ર એ લાશ નો ફોટો માતાને બતાવતા તેમના પતિ ગોરસિંગભાઈ જોખનાભાઈ તડવીની લાશના હોવાનુ જણાવ્યું હતું હતું. ત્યારબાદ માતા અને પુત્ર એ કપૂરાઈ પોલીસ સ્ટેશન ખાતે જઈને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે 13 જૂનના રોજ સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં તરસાલી બાયપાસ સર્વિસ રોડથી ભાલીયા પુરા ગામ જતા ભેસાસુર મંદિર પ્રીત ટેનામેન્ટની બાજુમાં જનકબેન રાજુભાઈ ભરવાડના ખેતરમાં આ લાશ મળી હતી. પરંતુ તેના કોઈ વાલી વારસ મળ્યા ન હોય 14 જૂનના રોજ પીએમ કરાવી લાશને એસએસજી હોસ્પિટલ કોલ્ડ રૂમ ખાતે મુકી હતી. મહિલા એસએસજી હોસ્પિટલમાં જતા પીએમ કરનાર ડોક્ટરે જણાવ્યુ હતું કે, તમારા પતિનુ પહેલા ગળું દબાવીને હત્યા કરાઈ છે અને માથાના પાછળના ભાગે ઈજા પણ મળી આવી છે. આમ મહિલાના પતિની કોઈ શખ્સ દ્વારા માથાના ભાગે હુમલો કર્યા બાદ ઘણું દબાવીને તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા અને લાશ તરસાલી બાયપાસ રોડથી ભાલીયાપુરા ગામ જતા ભેસાસુર મંદિર પાસે ખેતરમાં ફેંકી દીધી હતી. જેથી કપૂરાઈ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

Most Popular

To Top