પ્રતિનિધિ વડોદરા તા.13
વાઘોડિયા રોડ પર રહેતા અને ફાઇનાન્સ કંપનીના સંચાલકે તેને ત્યાં નોકરી પર આવતી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. યુવતી પાસેથી ઉછીના લીધેલા રૂપિયા 7 લાખ પરત માગતા તેને માર પણ મારતો હતો. જેથી યુવતીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં સંચાલક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે તેને ઝડપી પાડવા તજવીજ શરૂ કરી છે.
શહેરના વાઘોડિયા રોડ પર દેવાશિષ ડુપ્લેક્ષમાં રહેતા જય સંજીવ ઠક્કર ફાઇનાન્સ કંપની ચલાવી લોન અપાવવાનું કામ કરે છે. ત્યારે યુવતી તેની ફાઇનાન્સ કંપનીમાં નોકરી પર આવતી હતી. ત્યારે બંને વચ્ચે સંબંધ બંધાયા હતા. દરમિયાન જય ઠક્કર પરીણીત હોવા છતાં યુવતીથી ઓળખ છુપાવીને લગ્ન કરવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. યુવતીને નોકરી પર છુટે ત્યારે કંપની સંચાલક તેના ઘરે મુકવા માટે જતો હતો. લોનના કામથી બહાર જાય ત્યારે સંચાલક તેને સાથે લઇ જતો હતો અને હોટલમાં રૂમ રાખી બંને સાથે રોકાતા હતા ત્યારે તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. જ્યારે જય ઠક્કર યુવતીને અલગ અલગ જગ્યા પર લઇ જઇને 20 વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. યુવતી પાસેથી ટુકડે ટુકડે 7 લાખ પણ લીધા હતા. જેની વારંવાર માગણી કરવા છતાં જય ઠક્કર પરત આપતો ન હતો. જ્યારે પણ રૂપિયા માગતી હતી ત્યારે તેને માર મારતો હતો. જેથી કંટાળી ગયેલી યુવતીએ ગઇકાલે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની સામે બળાત્કારનો ગુનો નોંધીને જય ઠક્કરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
–રાજસ્થાન,છોટાઉદેપુર, ભરૂચ અને યુવતીના ઘરમાં શરીર સંબંધ બાંધ્યાં
ફાઇનાન્સ કંપની ચલાવતો જય સંજીવ ઠકકરને પત્ની સાથે બે બાળકો પણ છે. પરંતુ નોકરી પર આવતા અપરિણીત યુવતી સાથે તેણે મિત્રતા કેળવી હતી. જેથી તેણે પોતે પરિણીત હોવા છતા યુવતીને લગ્ન કરવાનું ખોટુ વચન આપ્યું હતું અને હકીકત પણ છુપાવી હતી. ત્યારબાદ યુવતીને છોટાઉદેપુર, રાજસ્થાન, ભરૂય અને યુવતી ઘરે આવીને પણ વારંવાર શરીર સંબંધ બાધ્યા હતા.