સ્કાઉટના સૈનિકોએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી :
સૈનિકોએ પાણીની સુવિધાઓ પૂરી પાડવાની સાથો સાથ આગ બુઝાવવાની પણ બખૂબી ફરજ બજાવી
( પ્રતિનિધિ ) વડોદરા તા.16
વડોદરા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7 પાસે રેલવે ટ્રેકની બાજુમાં વધી ગયેલી જંગલી ઝાડીઓમાં એકાએક આગ ફાટી નીકળી હતી. આગે દેખા દેતા જ રેલવે પ્લેટફોર્મ ઉપર મુસાફરોને પાણીની સેવા પૂરી પાડતા સ્કાઉટના સૈનિકો દોડી ગયા હતા અને એક્ટીન્ગ્યુસર દ્વારા આગ બુજાવી દીધી હતી અને સંભવતઃ મોટી દુર્ઘટનાને ટાળી હતી.
વડોદરા રેલ્વે સ્ટેશનના જુના પ્લેટફોર્મ નંબર 7 પાસે આજે સમી સાંજે રેલ્વે ટ્રેકની બાજુમાં સુકાઈ ગયેલ જંગલી ઝાડીઓમાં આગ ફાટી નીકળી હતી. ઝાડીઓમાં આગ દેખા દેતા જ પ્લેટફોર્મ નંબર 7 ઉપર પસાર થતી ટ્રેનોના મુસાફરોને પાણીની સેવા પૂરી પાડતા સ્કાઉટના સૈનિકો તુર્તજ સ્થળ પર દોડી ગયા હતા અને રેલ્વે સ્ટેશન ઉપર લગાવેલા એક્ટીન્ગ્યુસર લઈને ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને એક્ટીન્ગ્યુસરની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારત સ્કાઉટના સૈનિકો દ્વારા ઉનાળાની શરૂઆત થતાની સાથે જ વડોદરા રેલવે સ્ટેશન ઉપરથી પસાર થતી ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોને પાણીની સુવિધા પૂરી પાડી રહ્યા છે. આજે આ સૈનિકોએ પાણીની સુવિધાઓ પૂરી પાડવાની સાથો સાથ આગ બુઝાવવાની પણ બખૂબી ફરજ બજાવી હતી. જો કે આગના બનાવવાની જાણ ફાયર બ્રિગેડને પણ કરી દેવામાં આવી હતી. પરંતુ ફાયર બ્રિગેડના લાશ્કરો સ્થળ પર પહોંચે તે પૂર્વે જ સ્કાઉટના સૈનિકોએ આંગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે ફાયરના લાશ્કરો દ્વારા પણ પાણી મારો ચલાવીને આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો. મહત્વનું છે કે જ્યારે આગ લાગી તે સમય દરમિયાન કોઈ ટ્રેન પસાર ન થતા રેલવે તંત્રે હાશકારો અનુભવ્યો હતો. તે સાથે સ્કાઉટના સૈનિકોએ પણ રાહત અનુભવી હતી. સ્કાઉટના સૈનિકોની સમય સૂચકતાને કારણે સંભવતઃ મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. આજે સમી સાંજે લાગેલી આગના આ બનાવે ચકચાર જગાવી મૂકી હતી.