પ્રતિનિધિ વડોદરા તા.4
શાળાના વાર્ષિક ઓડિટમાં કોઈ કવેરી નહીં કાઢવા માટે રૂ. 2 હજારની લાંચ લેવાના ગુનામાં એસીબીએ બે આચાર્ય અને બે નિવૃત્ત શિક્ષકની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આરોપીઓના ઘરમાં પણ સર્ચ કરાયુ હતું પરંતુ કાંઈ મળી આવ્યું ન હતું. દરમિયાન આજે ચાર આરોપીના રિમાન્ડ પુરા થતા હોય ફરી કોર્ટમાં રજૂ કરાશે.
ડભોઇ તાલુકાની પ્રાથમિક શાળામાં ગ્રૂપ આચાર્ય ફરજ બજાવતા અરજદાર તેમની શાળાના વર્ષના ઓડિટમાં કોઈ ક્વેરી ન કાઢવા માટે વસઈ ગ્રુપ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા ઘનશ્યામ ભુપેન્દ્ર પટેલે ઓડિટરને રૂ.40 હજાર આપવા માટે ડભોઇ તાલુકાના તમામ ગ્રુપ આચાર્ય પાસે રૂ.2 હજારની લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ વડોદરા એસીબીની ટીમે લાંચના રૂ.2 હજાર સ્વીકારતા ઘનશ્યામ ભુપેન્દ્ર પટેલ, બુદ્ધિસાગર સોમા પટેલ, મહેન્દ્રસિંહ ગણપતસિંહ સોલંકી તથા મુકુંદ બાબુ પટેલ રંગે હાથ ઝડપી પાડ્યાં હતા. જ્યારે ઓડિટર મહિલા જયશ્રીબેન સોલંકીની શોધખોળ કરાઇ રહી છે. દરમિયાન 3 જુલાઇના રોજ ચાર આરોપીઓની વધૂ પૂછપરછ કરવા એસીબી દ્વારા ચાર જણામે કોર્ટમાં રજૂ કરાયા હતા અને 5 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી ત્યારે કોર્ટ દ્વારા 5 જુલાઇ સુધીના બે દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર થયા હતા. એસીબીની ટીમ દ્વારા ચાર આરોપીઓના ઘરમાં સર્ચ કરાયું હતું ત્યારે કોઇ મુદ્દામાલ મળી આવ્યો નથી. દરમિયાન આજે 5 જુલાઈના રોજ આરોપીઓના રિમાન્ડ પુરા થતા હોય એસીબીની ટીમ દ્વારા ફરી કોર્ટમાં રજુ કરવામાં આવશે. ત્યારે આરોપીઓના ફરધર રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે કે પછી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવે છે તે જોવું રહ્યું.