Vadodara

વડોદરા : રાયકા ગામે દીપડાનો આતંક,પશુનું મારણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ

સાવલી તાલુકાના રાયકા ગામે દીપડાને પાંજરે પૂરવા ગ્રામજનોની માંગ

વનવિભાગની ટીમોએ ગામ ખાતે પહોંચી દીપડાને પકડવા તજવીજ હાથધરી

( પ્રતિનિધિ )વડોદરા,તા.2

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રાયકા ગામે દીપડાનો આતંક જોવા મળ્યો છે. રાત્રિના 12:30 વાગ્યાની આસપાસ દીપડાએ ગામમાં એક પશુનું મારણ કરતા ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે. બનાવની જાણ થતા જ વન વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને દીપડાને પાંજરે પુરવા આગળની તજવીજ હાથ ધરી છે.

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં દિપડો જોવા મળ્યો છે. ગતરાત્રિએ દિપડાએ એક પશુનું મારણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. પશુનું મારણ કર્યું હોવાની જાણ થતા જ ગામના યુવાનો એકત્ર થયા હતા અને દીપડાની શોધમાં નીકળ્યા હતા. દરમિયાન એક અવાવરી જગ્યા પરથી મૃત પશુની બાજુમાં દીપડો જોવા મળ્યો હતો. જેના દ્રશ્યો આ યુવકો દ્વારા પોતાના મોબાઈલમાં કેદ કરવામાં આવ્યા હતા અને આ વીડિયો ગ્રામજનોના મોબાઇલના વોટ્સએપ ગ્રુપ ઉપર મોકલીને ગ્રામજનોને સચેત કરવામાં આવ્યા હતા. જ્યારે આ અંગેની જાણ કરવામાં આવતા આજરોજ વન વિભાગની ટીમો રાયકા ગામ ખાતે પહોંચી હતી. જ્યાં તપાસ કરતા દીપડાના પગના નિશાન જોવા મળ્યા હતા. જોકે રાત્રિ દરમિયાન જ દીપડો જોવા મળ્યો હતો અને દીપડાએ પશુનું મારણ કર્યું હોવાની પુષ્ટિ થઈ ગઈ હતી. ગ્રામજનોએ આ અંગે દીપડાને તાત્કાલિક પાંજરે પુરવા માંગણી કરી છે. રાત્રિ દરમિયાન લોકો નોકરીથી પરત ફરતા હોય છે. જ્યારે નાના બાળકોને પણ જોખમ રહેલું છે. ત્યારે કોઈ મોટી ઘટના બને તે પહેલા જ વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત ગ્રામજનો દ્વારા વન વિભાગને કરવામાં આવી હતી.

Most Popular

To Top