Vadodara

વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન

હોળીની રાત્રે ગાંજાનો નશો કરી કાર હંકારી ત્રણ મોપેડને અડફેટે લેતા એક મહિલાનું મોત; 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, કોર્ટ દ્વારા જામીન નામંજૂર થતા આરોપીએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યાં હતા.

પ્રતિનિધિ | વડોદરા | તા.22
ગત માર્ચ મહિનામાં હોળીની રાત્રે ગાંજાનો નશો કરીને કાર અકસ્માત સર્જી એક મહિલાનું મોત નિપજાવનાર રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને પોલીસની તપાસ અને કાર્યવાહી પર અનેક સવાલો ઉભા થયા છે.
હોળીની રાત્રે રક્ષિત ચોરસીયાએ શહેરના કિશનવાડી વિસ્તારમાંથી ભારે નશાની હાલતમાં ઓવર સ્પીડમાં કાર ચલાવી હતી. સંગમ ચાર રસ્તા થઈ તે કારેલીબાગ વિસ્તાર સુધી પહોંચ્યો હતો. આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે તેની કાર ત્રણ મોપેડ સાથે ટકરાઈ હતી, જેમાં કુલ 8 લોકોને હવામાં ફંગોળી દીધા હતા.
આ અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય સાત લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને આરોપીને માર માર્યો હતો. ઘટના સ્થળે પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો.
કારેલીબાગ પોલીસે અકસ્માત સર્જનાર રક્ષિત ચોરસીયાની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. તપાસ દરમિયાન મેડિકલ રિપોર્ટમાં ખુલ્યું હતું કે આરોપીએ મિત્રો સાથે બેસીને ગાંજાનો નશો કર્યા બાદ કાર ચલાવી હતી. આ આધારે પોલીસ દ્વારા તેના વિરુદ્ધ અલગથી ગુનો નોંધવામાં આવ્યો હતો.
રિમાન્ડ પૂર્ણ થયા બાદ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. આરોપીએ નામદાર કોર્ટમાં વારંવાર જામીન અરજી કરી હતી, પરંતુ તમામ અરજીઓ નામંજૂર કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરતા હાઇકોર્ટ દ્વારા રક્ષિત ચોરસીયાને જામીન મંજૂર કરવામાં આવ્યા છે.

Most Popular

To Top