પાર્થ પુરોહિતના નેતૃત્વમાં યુવા મોરચો સતત વિવાદમા
ભાજપના નારા લગાવવાની સાથે બાઈક સવાર યુવક એક હાથે સ્ટેરિંગ પકડી ઉભો થઈ ગયો
રેલીમાં આવા જોખમી સ્ટંટ કરી બાઈક ચલાવવી કેટલી યોગ્ય ?
વડોદરા: એક તરફ ચૂંટણીનો માહોલ છે. બીજી તરફ ભાજપનો સ્થાપના દિવસ હતો તે દરમિયાન ઠેર ઠેર રેલીઓનું આયોજન થયું હતું. જેના અંતર્ગત એક બાઈક રેલીમાં શિસ્તની વરેલી પાર્ટી ભાજપના યુવા કાર્યકરોએ શિસ્તનો ભંગ કરતા નજરે પડ્યા હતા.યુવકોએ બાઇક પર જોખમી સ્ટંટ કર્યાં હતા. પાર્થ પુરોહિતના નેતૃત્વ હેઠળ આ મોરચો સતત વિવાદમાં રહ્યો છે, ત્યાં એક વધુ એક વિવાદ ઉમેરાયો છે.
દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ભાજપ કોંગ્રેસ સહિત વિવિધ પક્ષના ઉમેદવારો વિજયી બને તે માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. તેવામાં શનિવારે ભાજપનો સ્થાપના દિવસ હતો. જેના ભાગરૂપે ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યાજ હતું. જે પૈકી એક કાર્યક્રમ યુવા મોરચા દ્વારા બાઈક રેલી યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં યુવા કાર્યકરો જોડાયા હતા. ભાજપના નારા સાથે વાહનો પર કેસરિયો લહેરાવ્યો હતો. જોકે આ રેલી દરમિયાન ભાજપના કેટલાક યુવા કાર્યકરોએ ભાજપની શિસ્તની ઐસી તૈસી કરી નાખી હતી. મોટી સંખ્યામાં યુવકો પોતાના વાહનો સાથે રેલીમાં જોડાયા હતા. આ દરમિયાન કેટલાક યુવક ચાલુ રેલીમાં એક હાથે સ્ટેયરિંગ પકડી બાઈક પર ઉભા થઈ નારા લગાવતા નજરે પડ્યા હતા. જ્યારે કેટલાક યુવકો બાઈક પર પાછળ ઉભા રહી ભાજપનો કેસરિયો લહેરાવતા નજરે પડ્યા હતા. કહેવાય છે કે શિસ્તની કહેવાતી પાર્ટી એટલે ભાજપ. જોકે ભાજપના જ યુવા કાર્યકરો શિસ્તનું ભાન ભૂલ્યા હતા. હાલ ભાજપની આ રેલીમાં સ્ટંટ કરતા યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
પાર્થ પુરોહિત સતત વિવાદમાં છતાં નેતાઓ છાવરે છે
ભાજપનો યુવા મોરચો અને તેના નેતા પાર્થ પુરોહિત સતત વિવાદમાં રહ્યા છે, છતાં ભાજપમાં વરિષ્ઠ નેતાઓ તેમને છાવરી રહ્યા છે. થોડા સમય પહેલા પાર્થ પુરોહિતે જાહેર રસ્તા પર કોઈ મવાલીની જેમ મારામારી કરી હતી. તાજેતરમાં શહેરમાં રંજનબેન ભટ્ટની વિરુદ્ધમાં બેનર્સ લાગ્યા એમાં પણ યુવા ભાજપના કાર્યકરની સંડોવણી બહાર આવી છે. આવા સતત વિવાદો છતાં આવા આગેવાનને ભાજપ કેમ છાવરી રહ્યું છે તે સવાલ પક્ષના જ સંનિષ્ઠ કાર્યકરો પૂછી રહયા છે.