વડોદરા તારીખ 11
વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ ઉપર આવેલા મોબાઇલ સ્ટોરના દિવસ દરમિયાનના થયેલા કલેક્શનના રૂપિયા 4.90 લાખ ત્યાં કામ કરતા નફીસ પઠાણ નામના કર્મચારીને બેંકમાં જમા કરાવવા માટે આપ્યા હતા. પરંતુ આ કર્મચારી રૂપિયા જમા કરાવવાના બદલે બારોબાર રૂપિયા લઈને નો દો ગ્યારાહ થઈ ગયો હતો. જેથી સ્ટોરના મેનેજરે તેને ફોન કરતા આ ઠગ કર્મચારીએ ફોન પણ સ્વીચ ઓફ કરી દીધો હતો. જેથી આ કર્મચારી વિરુદ્ધ મેનેજરે ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ પર આવેલા આઈ વિનસ નામના એપલના સ્ટોરમાં નફીસ પઠાણ નામનો કર્મચારી છેલ્લા નવ મહીનાથી કામ કરતો હતો. આ નફિસ પઠાણ પુરા દીવસ દરમિયાન સ્ટોર પર થયેલા આવકના રૂપિયા બેંકોમાં જમા કરાવવા જતો હતો અને પ્રામાણિકતાથી રૂપિયા બેંક ખાતામાં ડિપોઝિટ કરાવીને સમયસર પરત આવી જતો હોય તો મેનેજર સહિતના તમામ લોકોને નફીસ પઠાણ પર પુરો વિશ્વાસ આવી ગયો હતો. ગત 22 સપ્ટેમ્બરના રોજ સવારે સ્ટોરમાં સવારની શીફટમાં નફીસ પઠાણ આવ્યો હતો અને ત્યારબાદ બપોરના આશરે ત્રણેક વાગે આગળના દીવસનુ રોકડ કલેક્શન રૂ.4.90 લાખનું સ્ટોરમાં કામ કરતા રજનીકાંતભાઈએ નફીસ પઠાણને એક બેગમા મૂકી આપ્યું હતું. ત્યારબાદ તેને નજીકની કોઈ પણ એસબીઆઈ બેંકની બ્રાંચમા રૂપિયા જમા કરાવવા માટે મોકલ્યો હતો અને નફીસ પઠાણ પોતાનુ બાઇક લઈ નીકળ્યો હતો. પરંતુ સાંજના સાડા પાંચેક વાગ્યા સુધી નફિસ પઠાણ પરત સ્ટોર પર આવ્યો ન હતો. વાડી વિસ્તારમાં આવેલા ગાયત્રી ફ્લેટમાં રહેતા વૈભવ બળદેવભાઈ જાદવ તેઓ સ્ટોરના સર્વિસ મેનેજર હોય તેઓએ નફીસ પઠાણને તેના મોબાઈલ નંબર ઉપર ફોન કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. જેથી મેનેજર સુરતની હેડ ઓફીસ ખાતે ફોન કરી રૂપિયા 4.90 લાખ જમા થયા છે તેવું પૂછતા કોઈ રૂપિયા નહીં જમા થયા હોવાનું ઓફિસ પરથી જાણવા મળ્યું હતું. આ નફીસ પઠાણની આજદીન સુધી રાહ જોઈ હતી પરંતુ રૂપિયા લઈને ભાગી ગયેલો કર્મચારી નફીસ પઠાણ પરત આવ્યો ન હતો. સર્વિસ મેનેજર વૈભવ જાદવે નફીસ નાસીરખાન પઠાણ (રહે,ગંગાનગર મજીદ મહોલ્લો, પંચવટી પાસે ગોરવા વડોદરા ) સ્ટોર કલેકશનના રૂપિયા 4.90 લાખ લઈ ભાગી જઈને ઠગાઈ કરી હોય તેના વિરુદ્ધ સ્ટોર મેનેજરે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.