સાભ્યોનો સમિતિને બાનમાં લેવાનો પ્રયાસ, શહેર ભાજપ પ્રમુખની સમજણ બાદ પણ જૂથવાદ યથાવત્
વડોદરા મહાનગર પાલિકાની આજરોજ યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 10 કામોની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેમાંથી 8 કામો સર્વાનુમતે મંજૂર કરાયા, જ્યારે એક કામ પરત કરાયું અને એક કામને નામંજૂર કરવામાં આવ્યું. આ બેઠક દરમિયાન અમુક મહિલા સભ્યોએ સ્થાયી સમિતિને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે બેઠકમાં ઉગ્ર મતભેદ જોવા મળ્યા. ગત દિવસની જ વાત કરીએ તો શહેર ભાજપ પ્રમુખે પાલિકાના પાંચ પદાધિકારીઓને પાર્ટી કાર્યાલયે બોલાવી આંતરિક વિખવાદ ન કરી વિકાસ કમો પર ધ્યાન આપવા કહ્યું હતું. તેમ છતાં આજે યોજાયેલી બેઠકમાં કેટલાક સભ્યો પ્રમુખના સૂચનને અવગણતા જોવા મળ્યા. અગાઉ પણ અવારનવાર સ્થાયીના સભ્યોને શહેર ભાજપ પ્રમુખે તાકીદ કરી હતી તેમાં છતાં પ્રમુખની સ્પષ્ટ અવગણના કેટલાક સભ્યો કરતા હોય તેવું લાગી રહ્યું છે.
ભાઉ તાંબેડકરના વાડાને મ્યુઝિયમ બનાવવાની દરખાસ્ત પરત
વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક પહેલાં સંકલન બેઠક યોજાઇ હતી, જેમાં વિવિધ વિકાસ કમો પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ખાસ કરીને ભાઉ તાંબેડકરના વાડાને રૂ. 4.22 કરોડના ખર્ચે ગુજરાત પેઈંટિંગ મ્યુઝિયમ તરીકે વિકસાવવાની દરખાસ્ત પર ચર્ચા કરવામાં આવી, પરંતુ સમિતિના સભ્યોએ આ પ્રસ્તાવ પરત મોકલી દીધો. વધુમાં ચર્ચાઓ મુજબ, જો આ કામની ગ્રાન્ટ પૂરી આવી ન હતી તો પછી આ કામની દરખાસ્ત કેમ આવી તેવી પણ ચર્ચાઓ થઈ હતી. સમિતિના સભ્યો દ્વારા આ પ્રસ્તાવમાં આર્કિયોલોજી વિભાગ દ્વારા ખર્ચ કરવામાં આવશે તે બહાને આ દરખાસ્ત પરત કરાવી દીધી હતી. મહત્વનું છે કે આ અંગે વર્ષ 2022-23માં પત્ર લખવામાં આવ્યો હતો, જેમાં માત્ર 1 કરોડની ફાળવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જ મુદ્દાને ધ્યાને રાખીને સમિતિએ આ પ્રસ્તાવને ફરીથી પરત મોકલી દીધું. આ પહેલા પણ કેટલાક કામો આ પ્રકારના આવ્યા હતા જે પણ સમિતિના કેટલાક સભ્યો દ્વારા પરત કરવી દીધા હતા.
હંમેશા ‘હા’ માં ‘હા’ કરતા મેયર હવે ‘ના’ કહેવા લાગ્યા!
મેયર પિન્કી સોનીએ રૂ. 1.51 કરોડના ટેન્ડરને નામંજૂર કરી સવાલો ઉઠાવ્યા
વડોદરા મહાનગરપાલિકાની વિવિધ શાખાઓમાં કોમ્પ્યુટર અને પ્રિન્ટર ખરીદવા માટે ટેન્ડર મંગાવવામાં આવ્યું હતું. આ ટેન્ડર મંજૂરી માટે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતુ. આ માટે પાલિકા દ્વારા રૂ. 1.51 કરોડનો અંદાજ મુકવામાં આવ્યો હતો. જોકે, સ્થયીની બેઠક પહેલા મળેલી સંકલનમાં મેયર પિન્કી સોનીએ આ પ્રસ્તાવ સામે કડક વાંધો ઉઠાવ્યો અને ટેન્ડરને નામંજૂર કરાવ્યું. મેયર પિન્કી સોનીએ આ પ્રસ્તાવ અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા. તેમણે પૂછ્યું કે, વિવિધ શાખાઓમાં કેટલી સંખ્યામાં કોમ્પ્યુટર અને પ્રિન્ટરની જરૂર છે? હાલનાં કોમ્પ્યુટર અને પ્રિન્ટરની સ્થિતિ શું છે? જૂના કોમ્પ્યુટર અને પ્રિન્ટર રિપેર કરી શકાય એવા છે કે નહીં? આ પ્રશ્નોનાને લઈને મેયર દ્વારા આ કામનો વાંધો ઉઠાવવામાં આવ્યો હતો જેમાં અન્ય સભ્યોએ પણ પોતાનો સૂર પુરાવ્યો હતો.
