Vadodara

વડોદરા મહાનગરપાલિકામાં જન્મ-મરણની નોંધણી હવે સીધી ભારત સરકારના CRS પોર્ટલ પર થશે

વડોદરામાં 48 સેન્ટર પરથી નોંધણી પ્રક્રિયા કરી શકાશે

જન્મ-મરણનાં તમામ પ્રમાણપત્ર ઓનલાઈન લિંક દ્વારા મળશે, અલગથી ફી ભરવાની જરૂર નહીં

વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં હવે જન્મ, મરણ અને મૃતજન્મની તમામ નોંધણીઓ ભારત સરકારના Civil Registration System (CRS) પોર્ટલ પર જ થશે. કેન્દ્ર સરકારની સુચના મુજબ તા. 1 સપ્ટેમ્બર 2025થી તમામ એન્ટ્રી સીધા CRS પોર્ટલ પર કરવાની રહેશે. અત્યાર સુધી શહેરની હોસ્પિટલો દ્વારા E-ઓળખ (Gujarat Civil Registration System) વેબ બેઝ્ડ એપ્લિકેશનમાં એન્ટ્રી થતી હતી. હવે આ સિસ્ટમ બંધ થઈ ભારત સરકારના પોર્ટલ પર જ નોંધણી થશે. વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય શાખા હેઠળ હાલમાં કુલ 40 અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર (U-PHC) કાર્યરત છે. આ ઉપરાંત પાલિકાની 4 કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (C-HC) અને 4 સરકારી હોસ્પિટલ એસ.એસ.જી. હોસ્પિટલ, જમનાબાઈ હોસ્પિટલ, જી.એમ.ઈ.આર.એસ. ગોત્રી હોસ્પિટલ તથા ઈ.એસ.આઈ.એસ. હોસ્પિટલ સાથે મળી કુલ 48 સેન્ટર પરથી નોંધણી પ્રક્રિયા કરવામાં આવશે.

CRS પોર્ટલ પર નોંધણી થયા બાદ સંબંધિત પ્રમાણપત્રની લિંક નાગરિકોને SMS અને Email દ્વારા મોકલવામાં આવશે. નાગરિકો તેને ડાઉનલોડ કરી શકશે. ડાઉનલોડ કરેલું પ્રમાણપત્ર જ ફાઈનલ માનવામાં આવશે. પ્રમાણિત નકલ માટે કોઈ અલગ ફી ચૂકવવાની નહીં પડે. પ્રમાણપત્રમાં આપવામાં આવેલ QR Code સ્કેન કરીને તેની સત્યતા ચકાસી શકાશે.

નોંધણી પ્રક્રિયા કેવી રહેશે ?

હોસ્પિટલમાં થયેલા જન્મ, મરણ અને મૃતજન્મની નોંધણી તે હોસ્પિટલ દ્વારા જ કરાશે અને બાદમાં સંબંધિત U-PHC દ્વારા તેની વેરીફિકેશન થશે. ઘરમાં થયેલા બનાવમાં નજીકના U-PHC ખાતે જઈને નોંધણી કરાવવાની રહેશે. સરકારી હોસ્પિટલ તથા C-HC ખાતે બનેલા બનાવમાં ત્યાંથી જ નોંધણી અને વેરીફિકેશન થઈ પ્રમાણપત્ર અપાશે.


જુના રેકોર્ડમાં ફેરફાર માટે અલગ વ્યવસ્થા કરાઈ

વર્ષ 1901 થી ડિસેમ્બર 2020 સુધીના જન્મ પ્રમાણપત્રમાં નામ ઉમેરવું હોય, જન્મ-મરણ પ્રમાણપત્રમાં સુધારો કરાવવો હોય અથવા અપ્રાપ્ય પ્રમાણપત્ર મેળવવું હોય તો નાગરિકોએ જન્મ-મરણ નોંધણી શાખા, રમતગમત સંકુલ, માંજલપુર, વડોદરા ખાતે સંપર્ક કરવો રહેશે.

Most Popular

To Top