કમિશનર અરુણ મહેશ બાબુ પદાધિકારીઓની અવગણના કરતા હોવાની ચર્ચા, ઘણા સમયથી ચાલી રહેલો અહમનો ટકરાવ સપાટી પર આવ્યો

વડોદરા:
વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ તેમજ ચૂંટાયેલા પદાધિકારીઓ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલો અહમનો ટકરાવ રવિવારે સામે આવી ગયો હતો. રવિવારે યોજાયેલી મહાનગરપાલિકાની કોન્સર્ટમાં મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષ ગેરહાજર રહ્યા હતા. આ કાર્યક્રમ કમિશનરે બારોબાર ગોઠવી દઈ પદાધિકારીઓને કોઈ સત્તાવાર જાણ કરી નહીં હોવાની માહિતી મળી રહી છે.
વડોદરા મહાનગરપાલિકામાં કમિશનર અરુણ મહેશ બાબુએ ચાર્જ સંભાળ્યા બાદ એકહથ્થુ શાસન હાથમાં લઈ મેયર અને સ્થાયી અધ્યક્ષ સહિતના ચૂંટાયેલા પદાધિકારીઓની અવગણના કરી રહ્યા હોવાની ચર્ચા ઘણા સમયથી પાલિકા કોરીડોરમાં ચાલી રહી હતી. રવિવારે યોજિત લાઈવ કોન્સર્ટમાં કમિશનર અને પદાધિકારીઓ વચ્ચેનો સંઘર્ષ સપાટી પર આવી ગયો હતો. રવિવારે મહાનગરપાલિકાના કાર્યક્રમમાં ખુદ મેયર અને સ્થાયી અધ્યક્ષ જ ગેરહાજર રહ્યા હતા. મળી રહેલી વિગતો મુજબ કમિશનરે મેયર અને સ્થાયી અધ્યક્ષને આ કાર્યક્રમની જાણ કરવા સુધ્ધાંની તસ્દી લીધી નહોતી અને બારોબાર જ કાર્યક્રમ ગોઠવી કાઢ્યો હતો. આ પહેલા યોજાયેલા ગરબાના કાર્યક્રમમાં પણ પદાધિકારીઓની અવગણના કરાઈ હોવાની વિગતો બહાર આવી છે. મ્યુ. કમિશનર તેમની વિવિધ મુલાકાતોમાં પણ પદાધિકારીઓને સાથે રાખતા નહીં હોવાનો ગણગણાટ છે. મહાનગરપાલિકામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની જ અવગણના કરી કમિશનર આપખુદશાહી ચલાવી રહ્યા હોવાની ઉચ્ચ સ્તરે અને સંગઠનમાં રજૂઆત કરી હવે પછી પાલિકાના કોઈ કાર્યક્રમમાં હાજરી નહીં આપવાનું મેયર અને સ્થાયી અધ્યક્ષે નક્કી કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
મ્યુ. કમિશનર અને પદાધિકારીઓ વચ્ચેની આ ટક્કર આગામી દિવસોમાં વધારે વકરે અને મોટા કડાકા ભડાકા થાય એ શક્યતા નકારી શકાતી નથી.