ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કર્મચારી સુવિધાઓ અને કરદરમાં સુધારાની માંગ સાથે અનેક દરખાસ્તો મૂકી
વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણાએ વર્ષ 2025-26 માટેનું અંદાજપત્ર અને રીવાઈઝડ બજેટનું ડ્રાફ્ટ રજૂ કર્યું હતું, જે સ્થાયી સમિતિએ સુધારા કરી મંજૂર કર્યું. સ્થાયી સમિતિએ સુધારા કર્યા બાદ આ બજેટની કુલ રકમ રૂ. 6,219.81 કરોડ છે અને મ્યુનિસિપલ કમિશનરે સૂચવેલા રૂ. 50 કરોડના સફાઈ વેરાને સ્થાયી સમિતિએ ફગાવી દીધો હતો. મહાનગરપાલિકાના બજેટની મંજૂરી માટે તા. 17થી ત્રણ દિવસ સુધી સભા યોજાશે, જેમાં આ બજેટને આખરે મંજૂર કરવામાં આવશે. આ પહેલા તા. 13ના રોજ સાંજે 7 વાગ્યા સુધી બજેટ પર દરખાસ્તો રજૂ કરવાની હતી, જેમાં વિપક્ષે આ વર્ષે 443 સુધારા દરખાસ્ત રજૂ કરી છે, જેમાં કેટલાક મહત્વના મુદ્દાઓની દરખાસ્ત કરવામાં આવી છે.
વિપક્ષની મહત્વની દરખાસ્તો:
*કરદરમાં સુધારાની દરખાસ્ત
*વિશ્વામિત્રી નદી પરના દબાણો દૂર કરી મૂળ સ્થિતિમાં ફેરવવાની માંગ
*વિધવા બહેનો માટે વેરા અને બસ ભાડામાં રાહત
*કોર્પોરેશનની ઈમારતો પર સોલાર પેનલ લગાવવી
*શહેરમાં શુદ્ધ પાણીની પૂર્તિ અને જૂની ડ્રેનેજ લાઈનોના નવીનીકરણની દરખાસ્ત
*છાણી વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, ફ્લાયઓવર બ્રિજ, સ્વિમિંગ પૂલ અને શાકમાર્કેટના નિર્માણની દરખાસ્ત
*સમશાનોમાં ગેસ ચિતા શરૂ કરવાની દરખાસ્ત
*કોર્પોરેશનના કર્મચારીઓ માટે મેડિકલ સુવિધામાં સુધારા
મહાનગરપાલિકાના કર્મચારીઓ માટે રૂ. 3,000 ભથ્થાની દરખાસ્ત
*મેયર સિવાય અન્ય અધિકારીઓને ગાડીઓ આપવાની પ્રથાને બંધ કરવાની દરખાસ્ત
*વૃક્ષારોપણ માટે અનામત ભંડોળનો ઉપયોગ અન્ય ઉપયોગમાં ન થાય તે અંગે દરખાસ્ત
*અટલ બ્રિજ માટે રૂ. 156 કરોડ રાજ્ય સરકાર તરફથી લાવવા માટેની દરખાસ્ત
*સ્માર્ટ સિટી વડોદરા ગેસ અને ગુજરાત સ્પોર્ટ્સ
એકેડેમીના હિસાબો જાહેર કરવા માટેની દરખાસ્ત
આગામી દિવસોમાં ચર્ચા બાદ અંતિમ મંજૂરી મળશે
આ બજેટ પર વિપક્ષ દ્વારા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે, અને છેલ્લે તા. 17થી 3 દિવસ સુધી સમગ્ર સભામાં મંજૂરી માટે આ વિચારણા થશે. સામાન્ય રીતે, વિપક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલી સુધારા દરખાસ્તો ચર્ચા બાદ મોટા ભાગે નામંજૂર કરવામાં આવે છે, પરંતુ જો કોઈ મહત્વના મુદ્દા હોય, તો તે બજેટમાં સામેલ થઈ શકે છે.
