- પી.એ. દ્વારા રૂ. 1.50 લાખની લાંચ લેવામાં આવી હતી જેમાં જીતેશ ત્રિવેદીનું નામ છતાં કોઈ પગલાં નહિ
- ફરિયાદીએ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી SITની માગ કરી
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાના ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર જીતેશ ત્રિવેદીના પી.એ. યોગેશ પરમાર રૂ. 1.50 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. આ કેસમાં લંચ રુશ્વત વિરોધી શાખા સમક્ષ જીતેશ ત્રિવેદીના ઈશારે આ લંચ લેવામાં આવી હોવાની કબૂલાત થઇ હતી. છતાં તેઓ સામે કોઈ પણ પગલાં ભરવામાં આવ્યા ન હતા. જેના કારણે ફરિયાદીએ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. જે બાદ હાઇકોર્ટે લાગતા વળગતા વળગતા અધિકારીઓ સામે નોટિસ જાહેર કરી છે.
ફરિયાદી દીપિકા મેઘવાણીએ હાઇકોર્ટમાં અરજી કરી છે જેમાં જણાવ્યું છે કે વડોદરા હારવી વારસિયા રિંગ રોડ ઉપર આવેલી સોસાયટીની બાજુમાં રે.સ. નંબર 377 પૈકીની ફાજલ સરકારી પ્લોટમાં ખેડૂતના ખોટા મરણના દાખલા, સોગંદનામા સહિતના પુરાવાના આધારે એપાર્ટમેન્ટની સ્કીમ ઉભી કરી દેવામાં આવી હતી. જેમાં જવા આવવાનો રસ્તો નથી કે સરકારી રેકર્ડમાં પણ રસ્તો નથી. તેમ છતાં અરજદારની સોસાયટીની પાછળ ગેરકાયદેસર રસ્તો પાડી દેતા સ્થાનિક રહીશોએ વડોદરા મહાનગરપાલિકામાં બાંધકામ શાખામાં ઉગ્ર રજૂઆતો કરી હતી. આખરે મ્યુ. કમિશ્નરે વિવાદિત કેસની ફાઈલમાં વીજ કનેક્શન બંધ કરવા હુકમ કર્યો હતો. પરંતુ તે વખતે બાંધકામ શાખામાંથી કોઈ હાજર ન રહેતા ડેપ્યુટી ટીડીઓ ધરતી ભટ્ટે જણાવ્યું હતું કે અમારા સાહેબ જીતેશ ત્રિવેદીને મળી લો. જીતેશને મળતા તેઓએ જણાવ્યું હતું કે વ્યવહાર કરશો તો જ આગળ કામ ચાલશે. અને મારો, ડેપ્યુટી ટીડીઓ ધરતી ભટ્ટ, કારકુન જયેશ પરમાર અને કાજલ પાટે એમ ચાર વ્યક્તિઓનો વ્યવહાર કરવા જણાવ્યું હતું. કુલ બે લાખની વાત થઇ હતી. પાછળથી દોઢ લાખમાં સેટલમેન્ટ થયું હતું અને આ લાંચ પીએને આપવાનું જણાવતા તે રંગેહાથ ઝડપાઇ ગયા હતા. જો કે આ સમગ્ર બાબત ફરિયાદમાં હોવા છતાં કોઈ પગલાં ન ભરાતા ફરીયાદીએ SIT ની માગ કરી હતી જેના પગલે હાઇકોર્ટે સુનાવણીમાં રાજ્ય સરકાર, રાજ્યના પોલીસ મહાનિર્દેશક, વડોદરા પોલીસ કમિશનર, ડાયરેક્ટર,એસીબી વડોદરાના એસીબીના આસી. ડાયરેક્ટર અને તપાસનીશ અધિકારી એ.એન પ્રજાપતિ વિરુદ્ધ નોટિસ જારી કરી સમગ્ર મામલામાં જવાબ માંગ્યો છે.