કપુરાઈ ચોકડી પાસે આઈકોન કોમ્પ્લેક્સના પ્રથમ માળે એલસીબી ઝોન 3ની ટીમ રેડ કરી
વડોદરા તા.3
વડોદરા શહેરમાં ઇન્ડિયન પ્રીમિયર લીગમાં અલગ અલગ ટીમો વચ્ચે રમાઈ રહેલી ક્રિકેટ મેચ પર કરોડોનો સટ્ટો રોજ રમાઈ રહ્યો છે. ત્યારે પોલીસે સટોડીયાને પકડવા માટે ગતિવિધિ તેજ બનાવી છે. કપુરાઈ ચોકડી પાસેના કોમ્પ્લેક્સમાં પ્રથમ માળ પર આવેલી દુકાનમાં રાજસ્થાન અને હૈદરાબાદની મેચ પર આઈડી દ્વારા ક્રિકેેેેેટ મેચ પર સટ્ટો રમતા ત્રણ સટોડીયાને એલસીબી ઝોન 3ની ટીમે ઝડપી પાડયા હતા. તેમની પાસેથી લેપટોપ, ચાર મોબાઈલ સહિત 68 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી માટે કપુરાઈ પોલીસને સુપ્રત કરાયો છે.
હાલમાં ચાલી રહેલી આઇ પી એલની મેચ પર કરોડો રૂપિયાનો સટ્ટો રમાઈ રહ્યો છે ત્યારે પોલીસ વિભાગ દ્વારા સટોડિયાઓને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરાઈ છે.એલસીબી ઝોન-3ની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન વાતમી મળી હતી કે અમિત સોરઠીયા નામનો શખ્સ કયુરાઇ ચોકડી પાસે આવેલા આઇકોન કોમ્પલેક્ષના પ્રથમ માળે આહીર ટ્રાસપોર્ટ નામની દુકાનમાં કેટલાક લોકો ભેગા કરી પોતાના લેપટોપ તેમજ મોબાઇલ ફોનમાં ઓનલાઇન આઈ.ડી ઉપર ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડે છે. હાલમાં આઈપીએલ મેચમા રાજસ્થાન અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે રમાઇ રહેલી ટી-20 ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહ્યા છે. જેથી એલસીબી ઝોન 3 ની ટીમતે બાતમી મુજબની દુકાનમાં રેડ કરી હતી. જેમાં સ્થળ પરથી ત્રણ સટોડિયા અમિત સોરઠીયા,જતીન સોરઠીયા અને સચિન પરમાર ઝડપાઇ ગયા હતા. તેઓની પૂછપરછ કરતા અમિત સોરઠીયાએ દુકાન ભાડેથી રાખેલી હોવાનુ જણાવ્યું હતું. આ દુકાનમાં ત્રણેય જણા ભેગા મળી ઓનલાઈન આઈડી દ્વારા ક્રિકેટ સટ્ટો રમતા હતા. પોલીસ દ્વારા ઝડપાયેલા પાસેથી ચાર મોબાઈલ, લેપટોપ સહિત રુ.68 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી માટે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે.