માનસિક રીતે અસ્વસ્થ દેવીપૂજક સમાજની મહિલાનુ મોત થયું હોવાની માહિતી :
ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી આગળની કામગીરી હાથ ધરી :
( પ્રતિનિધી )વડોદરા,તા.2
વડોદરા શહેરના જૂનીગઢી પાસે આવેલી ભદ્ર કચેરીની રોડ સાઈડની દીવાલ ધરાશાયી થતા માનસિક રીતે અસ્વસ્થ મહિલાનું મોત થયું હતું. મોટો અવાજ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. જ્યારે બે જેટલા વાહનોને પણ નુકસાન થયું હતું. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનો સ્થળ પર આવી પહોંચ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરા શહેરમાં વરસાદે વિરામ લીધો છે તેમ છતાં પણ કેટલાક વિસ્તારોમાં વૃક્ષો તૂટી પડવા જજરીત ઈમારતોનો કેટલોક ભાગ તૂટી પડવા સહિતના બનાવો સામે આવી રહ્યા છે. તેવામાં મંગળવારે શહેરના જૂની ઘડી વિસ્તારમાં આવેલા ભદ્ર કચેરીની રોડ સાઈડની એક દિવાલ અચાનક તૂટી પડી હતી.

મોટો અવાજ થતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. જ્યારે આ દિવાલ તૂટી પડતાં નીચે દબાઈ જવાથી માનસિક રીતે અસ્વસ્થ મહિલાનું મોત થયું હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. અચાનક દિવાલ તૂટી પડતા ત્યાંથી પસાર થઈ રહેલા એક એકટીવા ચાલકનો આબાદ બચાવ થયો હતો. જોકે દીવાલ પડતા એક રીક્ષાને પણ મોટું નુકસાન થયું હતું.

બનાવની જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડ નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કાટમાળ હટાવી મૃતક મહિલાના મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ચંપાબેન દેવીપુજક નામની મહિલાનું આ દિવાલ નીચે દબાઈ જવાથી મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું.

અત્રે નોંધનીય બાબતે છે કે, આજરોજ ગણેશ ઉત્સવના સાતમા દિવસે શહેરના સૌથી મોટા અને ખાસ મનાતા એવા જૂનીગઢીના શ્રીજીની વિસર્જન સવારી નીકળશે. આ શ્રીજીના વિસર્જન ટાણે સૌ કોઈની નજર જૂનીગઢીના શ્રીજીના વિસર્જન પર હોય છે. ત્યારે તે પૂર્વે 11 વાગ્યાની આસપાસ અચાનક જૂનીગઢીના શ્રીજીની સ્થાપના પંડાલથી થોડા અંતરે આ ભદ્ર કચેરીની ઈમારત આવેલી છે. જેની રોડ સાઈડની દિવાલ તૂટી પડી હતી. હાલ મહિલાના મોતથી વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.

મહત્વની બાબત છે કે આ ભદ્ર કચેરીની ઇમારતમાં એક તરફ જૂની તાલુકા પોલીસ મથક અને બીજી તરફ શહેર ક્રાઈમ બ્રાન્ચની કચેરી આવેલી છે. જે કચેરીની મુખ્ય માર્ગ તરફની દીવાલ આજરોજ તૂટી પડી હતી. જ્યારે સમગ્ર મામલે સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.