Vadodara

વડોદરા :બોડેલીના પાણેજ ગામે અંધશ્રદ્ધામાં બાળકીની બલી

બોડેલીના પાણેજ ગામે તાંત્રિકે વિધિ કરવા 4 વર્ષની બાળકીની બલી ચઢાવી, લોહી મૂર્તિઓ પર ચઢાવ્યું

પુત્રને પણ ખેંચવાનો પ્રયાસ કર્યો પણ માતાએ બચાવ્યો , ગ્રામજનોએ હત્યારાને મેથીપાક ચખાડ્યો, પોલીસ દ્વારા તાંત્રિકની ધરપકડ કરાઇ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામે તાંત્રિક વિધિ માટે એક ભુવાએ પાંચ વર્ષની બાળકીને કુહાડીના ઘા મારી બલી ચઢાવી બાળકીનું લોહી મૂર્તિઓ ઉપર ચઢાવ્યું હતું. આ તાંત્રિક એક બાળકીની હત્યા કરી બલી ચઢાવ્યા બાદ ખભે કુહાડી મૂકી અને બાળકીના નાના ભાઈની બલી ચઢાવવા માટે લઈ જવાનો પ્રયાસ કરતા બાળકની માતા તાંત્રિક સામે સિંહ ગર્જના કરી અને વાઘણ બની તાંત્રિક સામે પડકાર ફેંકી અને દોઢ વર્ષના પુત્રને બચાવ્યો હતો. માતાએ બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાંત્રિકની ધડપકડ કરી રિમાન્ડની તજવીજ શરૂ કરી છે.  

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાનું પાણેજ ગામ ના આઠમ  ફળિયામાં આદિવાસી સમાજની વસ્તી આવેલી છે. જ્યારે આ વિસ્તારમાં રહેતા તાંત્રિક લાલુભાઇ હિંમતભાઈ તડવી (ઉ.વ.45) આવાસની ઓરડીમાં રહે છે. તાંત્રિકનું પરિવારના લોકો સાથે રહેતા નથી પત્ની અને બાળકો સાથે ના રહેતા હોવાથી તાંત્રિક એકલો રહેતો હતોય જ્યારે તેના મકાનની સામે રાજુભાઈ કાળુભાઇ તડવી રહે છે. તેના પરિવારમાં એક બાળકી પાંચ વર્ષની અને એક પુત્ર દોઢ વર્ષનો છે સોમવારના રોજ બંનેવ બાળકો સવારના નવ વાગ્યાની આસપાસ ઘરના આંગણામાં રમતા હતા. જ્યારે તેની માતા નજીકમાં કપડાં ધોતી હતી. જ્યારે તાંત્રિક તેના ઘરમાંથી નીકળી અને પાંચ વર્ષની બાળકી રિટાબેન રાજુભાઈને તાંત્રિક હાથ પકડીને તેની ઓરડીમાં લઈ ગયો હતો. તે વખતે બાળકી રડતી હતી પરંતુ તાંત્રિક તેને ખેંચીને લઈ જતા માતા કાને અવાજ પહોચતા માતા તેને જોવા માટે દોડતા આ સમય દરમિયાન તાંત્રિકે બાળકીને તેના મકાનમાં મૂકેલી મૂર્તિઓની સામે કુહાડીના ઘા મારી તેની બલી ચઢાવી દીધી હતી. આ સમય દરમિયાન તેની માતા પહોંચી જતા આ તાંત્રિક કુહાડી ખભા ઉપર મૂકી મહિલાને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો અને મહિલાની નજીકમાં તેનો દોઢ વર્ષનો પુત્ર હતો. તેને તાંત્રિક બલી ચઢાવવા માટે ખેંચવાનો પ્રયત્ન  કર્યો હતો પરંતુ જે માતાની દીકરી લોહી લુહાણ અને તળફળતી  હતી. તે બાળકીને પડતી મૂકીને તેની નજીકમાં તાંત્રિક તેના પુત્રને ખેંચવાનો પ્રયાસ કરતા નારી શક્તિની તાકાત લગાવી અને આક્રોશમાં આવી અને તાંત્રિકનો સામનો કર્યો હતો અને પુત્રને બચાવી લીધો હતો. આ સમય દરમિયાન બૂમાબૂમ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. જ્યારે તાંત્રિકે પાંચ વર્ષની બાળકીને બલી ચઢાવ્યા બાદ તેનું લોહી મૂર્તિઓને ચઢાવ્યું હતું. તાંત્રિકના હાથમાં કુહાડી હતી. તે લોહીથી લથબથ હતી. ત્યારે લોકોમાં આક્રોશ ફાટી નીકળતા લોકોએ તાંત્રિકને પકડીને મેથી પાક આપ્યો હતો અને તાત્કાલિક ઘટના સ્થળે પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે જ પોલીસ ફરિયાદ દાખલ કરી અને તાંત્રિક ની ધડપકર કરી હતી જ્યારે કુહાડી પણ કબ્જે લીધી હતી.

– ખાનગી વાહનમાં બાળકીની લાશને પીએમ કરવા માટે લઇ જવાઇ

બોડેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી ને પંચકયાસ કર્યો ત્યાર બાદ મૃત બાળકીની લાશ પીએમ માટે બોડેલી લઈ જવા માટે ના તો સબવાહિની મંગાવી નાતો એમ્બ્યુલન્સ મંગાવી. બાળકીને ફોર વ્હીલર ગાડીમાં લઈ જવામાં આવી આટલી મોટી ઘટના હોવા છતાંય પોલીસે લોહીથી લથબથ બાળકીને ખાનગી વાહનમાં પીએમ માટે લઈ જવામાં આવી હતી.

– બાળકીના શરીર પરથી લોહી લઇને મૂર્તિઓ પર ચઢાવ્યું

ગૌરવ અગ્રવાલ એએસપી બોડેલીના જણાવ્યા મુજબ તાંત્રિક લાલુભાઇ તડવી પાંચ વર્ષની બાળકીને તાંત્રિક વિધિ કરવા માટે ઘરમાં લઈ ગયો હતો અને ઘર માં મૂર્તિઓ હતી ત્યાં બાળકીની કુહાડી વડે હત્યા કરી અને તેના શરીરનું લોહી તાંત્રિક વિધિની મૂર્તિઓને ચઢાવવામાં આવ્યું હતું. હાલ તાંત્રિક વિધિ કરનાર સામે હત્યાનો ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.

– હત્યારાને ફાંસીના માંચડે ચડાવવામાં આવે તેવી માગ

 રમેશસિંહ માજી સરપંચના જણાવ્યા મુજબ સવારના નવ વાગ્યાના સમયે બંને ભાઈ બહેન આંગણામાં રમતા હતા. ત્યારે આ તાંત્રિક બાળકીને તેના ઘરમાં લઈ જઈ અને કુહાડી વડે બલી ચઢાવી દીધી છે. ત્યારે એક બલી ચઢાવ્યા બાદ તેના ભાઈને પણ બલી ચઢાવવા માટે લઈ જતા તેને તેની માતાએ અને ગ્રામજનો ભેગા થઈને બાળક ને બચાવ્યો હતો આ ઘટનાથી ગામના બાળકો ડરી ગયા છે. આસપાસના ગામના લોકો પણ ડરી ગયા છે જ્યારે આ તાંત્રિક વિધિ કરનાર એકલો જ ઘરમાં રહેતો હતો અને ઘણા વર્ષોથી તાંત્રિક વિધિ કરતો હતો. તેની જાણ એમને હતી પરંતુ ગામમાં તાંત્રિક વિધિ અત્યાર સુધી કરી ના હોવાથી લોકો અજાણ હતા. આ જે ઘટના બની છે તેમાં પોલીસ કડક કાર્યવાહી કરે અને ફાંસી ના માંચડે આ તાંત્રિક બાવાને ચઢાવવામાં આવે તે જરૂરી બન્યું છે કેમ કે આખા પંથકમાં આવા તાંત્રિકો સામે પગલાં ભરવા જોઈએ.

– ઘટના બાદ તુરંત પોલીસ દોડી આવી હતી

વિમલસિંહ ડેપ્યુટી સરપંચના જણાવ્યા મુજબ સવારમાં તાંત્રિકે બાળકી બહાર રમતી હતી. તેને ખેંચી લઈ જઈ અને તાંત્રિકના મકાનમાં બાળકીની બલી ચઢાવી દીધી છે આ ઘટના બાદ પોલીસ આવીને તપાસ હાથ ધરી છે.

– તાંત્રિક વિધી કરનાર ભુવાઓએ જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઇએ

 બોડેલી તાલુકાના પાણેજ ગામે તાંત્રિક વિધિ માટે એક બાળકીની બલી ચઢાવવાની ઘટનામાં સમગ્ર રાજ્ય ના હાહાકાર મચી ગયો છે જ્યારે ટેક્નોલોજી યુગમાં દેશ હરણફાળ બની રહ્યો છે. ત્યારે આવી ઘટનાઓ થી સમાજ માં એક ભય નો માહોલ ઉભો થાય છે અને હવે ઘરની આજુબાજુ રહેતા પાડોશીઓ ઉપર પણ લોકો નો વિશ્વાસ ઉઠી ગયો છે આ ઘટના કાળજી કંપાવી દે તેવી ઘટના છે. છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાઓમાં આદિવાસી વિસ્તાર માં ભુવાઓ અને તાંત્રિકોની સંખ્યા વધારે છે. કોઈ ગામડાંમાં બીમાર પડે તો તાંત્રિક વિધિ માટે લઈ જવામાં આવે છે અને ભૂવો સારવાર કરે છે. આવી અનેક ઘટનાઓ છોટાઉદેપુર જિલ્લામાં અગાઉ બહાર આવી ચૂકી છે. ત્યારે બોડેલી તાલુકાના પાણેજ ગામે બલી આપવાની જે ઘટના બની છે. તેની તપાસ સાથે છોટાઉદેપુર જિલ્લામાં આવા અનેક ભુવાઓ રહે છે તેઓની ધડપકર થવું જોઈએ. લોકોમાં જન આક્રોશ જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં અનેક જગ્યાઓ ઉપર ભુવાઓ તાંત્રિક વિધિ કરે છે. તેઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ.

Most Popular

To Top