અગાઉ દારૂ ઝડપાયો હતો તે રેલવેના મેમુ શેડના રૂમથી નજીક આવેલી પાણીની ટાંકીમાંથી બિયરનો જથ્થો ઝબ્બે
બે દારૂના ગોડાઉન ચાલતા ઝડપાયાં, વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી પોલીસની કામગીરી શંકાના દાયરામાં
પ્રતિનિધિ વડોદરા તા.3
રેલવે સ્ટેશનના મેમુ શેડના ગોડાઉનમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. જેમાં દારૂનો ધંધો કરનાર રેલવેનો કર્મચારી તથા આરપીએફ જવાનના પુત્રને હજુ સુધી પોલીસ પકડી શકી નથી. ત્યારે આ મેમુ શેડના ગોડાઉનથી ગણતરીના મીટરના અંતરે આવેલી પાણીની ટાંકીમાંથી બિયરનો જથ્થો મળી આવ્યો છે. ત્યારે રેલવે પોલીસે પાણીની ટાંકીને દારૂનું ગોડાઉન કોણે બનાવ્યું હતું તેની તપાસ શરૂ કરી છે. બીજી તરફ મેમુ શેડ તથા પાણીની ટાંકીનું ગોડાઉનમાંથી દારૂની હેરાફેરી થતી હોવા છતાં રેલવે પોલીસ તથા એલસીબીને દેખાતુ હોય તેને લઇને તેમની કામગીરી સામે શંકા કરાઇ રહી છે.
તાજેતરમાં જ નવાયાર્ડ રેલવે સ્ટેશનના મેમુ શેડના ગોડાઉનમાંથી મોટી માત્રા વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. જેમાં રેલવેના કાયમી કર્મચારી રૂબિન ઉર્ફે કટ્ટે શેખ તથા તથા આરપીએફ જવાનના પુત્ર કપિલસિંગ વિજેન્દ્રસિંગ કુંતલ ( રહે. આમ્રપાલ સોસાયટી બાજવા)એ દારૂ સંતાડ્યો હોવાનું બહાર આવ્યું હતું. પીસીબીની બાતમી બાદ રેલવે એલસીબીએ દારૂનો જથ્થો પકડ્યો હતો. ત્યારે રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી એલસીબી તથા રેલવે પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી છે. આટલી મોટી માત્રામં દારૂનો રેલવેના મેમુ શેડના રૂમમાં સંતાડ્યો હોય તેમજ બાજુમાં આરપીએફનો પોઇન્ટ હોવા છતાં પોલીસને ના દેખાય તે વાત ગળે ઉતરતી નથી. જો ઉચ્ચ અધિકારી દ્વારા ઘનિષ્ઠ તપાસ કરાય તો ચોકાવનારી વિગતો બહાર આવે તેમ છે. બીજી તરફ અગાઉ દારૂ ઝડપાયો હતો તે મેમુ શેડથી ગણતરીના મિટરના અંતરે આવેલી પાણીની ટાંકીથી મોટી માત્રામાં બિયરનો જથ્થો 3 સપ્ટેમ્બરે ઝડપાયો છે. ત્યારે રેલવે સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂ અને બિયરના જથ્થાની હેરાફેરી થવા સાથે વેચાણ થતુ હોય ત્યારે રેલવે પોલીસની મીલીભગતથી ગેરકાયદે કારોબાર ચાલતો હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે શુ આ બિયરનો જથ્થો અગાઉ ઝડપાયેલા બે આરોપીઓનો છે કે પછી અન્ય કોઇએ દારૂનુ ગોડાઉન બનાવ્યું હતું તેની તપાસ શરૂ કરાઇ છે.