Vadodara

વડોદરા : બુલેટ ચાલકે મોપેડને અડફેટે લેતા 4 મહિનાના બાળકનું મોત, દંપતી ઘવાયું


બાળકનું મોત
પ્રતિનિધિ વડોદરા તા.17
અટલાદરા વિસ્તારમાં આવેલા આવાસના મકાનમાં રહેતું દંપતી બીમાર બાળકને સારવાર માટે દવાખાને લઈ જતું હતું. તે દરમિયાન અટલાદરા પાદરા રોડ પર ઓવર સ્પીડમાં આવેલા બુલેટ ચાલકે દંપતીના મોપેડ ને અડફેટે લીધું હતું. જેમાં હવામાન ફંગોળાઈને દંપતી અને ચાર મહિનાનું બાળક પટકાયું હતું. જેમાં ચાર માસના બાળકનું ઘટના સ્થળ જ મોત નીપજ્યું હતું જ્યારે દંપતીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યારે આ ગંભીર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા આવાસના મકાનમાં રહેતા ભરતભાઇ બાબુભાઇ ચૌહાણ તેમની પત્ની સોનલબેન તથા 12 વર્ષીય દીકરી અને ચાર મહિનાના પુત્ર દેવાંશ સાથે રહેતા હતા. ભરતભાઇની પત્નીને ઘણી બાધાઓ બાદ અવતરેલા પુત્ર દેવાંશની તબિયત સારી ન હોવાથી દંપતી બાળકને લઇને સિટી વિસ્તારમાં દવાખાના લઇને જવા માટે 16 ઓકટોબરના રોજ રાત્રીના સમયે નીકળ્યા હતા અને અટલાદરા પાદરા રોડ પરથી પસાર થતા હતા. તે દરમિયાન તેમના મોપેડમાં પેટ્રોલ પુરાવવા માટે જઇ રહ્યાં હતા. તે દરમિયાન ઓવર સ્પીડમાં આબેલા બુલેટ ચાલકે મોપેડ સવાર દંપતી અને બાળકને અડફેટે લીધા હતા. હવામાં ફંગોળાઈને રોડ ઉપર પટકાયેલા દંપતીને ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યારે ચાર મહિનાના બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.ઘવાયેલા દંપતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. અટલાદરા પોલીસ દ્વારા બુલેટ ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે આ ગંભીર અકસ્માતની ઘટનાનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે.

Most Popular

To Top