ઉપપ્રમુખ પદે નેહલ સુતરીયા અને જનરલ સેક્રેટરી પદે રિતેશ ઠક્કરની જીત :
પ્રમુખમાં 31,ઉપ પ્રમુખમાં 47 અને જનરલ સેક્રેટરીમાં 69 મત નોટાને મળ્યા :
( પ્રતિનિધિ )વડોદરા,તા.20
વડોદરા વકીલ મંડળની યોજાયેલી ચૂંટણીનું સાંજે સાડા પાંચ કલાકે મતદાન પૂરું થયું હતું. ગત વખતની સરખામણીએ આ વખતે 75 ટકા જેટલું મતદાન થયું છે. મતદાન પૂર્ણ થયા બાદ ત્વરિત મત પેટીઓને સીલ કરી દેવામાં આવી હતી. આશરે રાત્રે 7 વાગ્યા બાદ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રમુખ પદના ઉમેદવાર નલીન પટેલને 1763 મત મળતા તેઓ વિજય થયા છે.
વડોદરા વકીલ મંડળની ચૂંટણી આજે યોજાઇ હતી. જેમાં 18 બેઠક માટે 43 વકીલોએ ઉમેદવારી નોંધાવી હતી. સવારે 9:30 કલાકે મતદાન શરૂ થયું હતું અને સાંજના 5:30 કલાક સુધી આ મતદાન ચાલ્યું હતું. વહેલી સવારથી યુવાન મતદારોમાં આ વકીલ મંડળની ચૂંટણીને લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં વકીલ મતદારોએ પોતાનો મત આપ્યો હતો. જોકે આ વર્ષની ચૂંટણીમાં પ્રતિષ્ઠાનો જંગ જામ્યો હતો. બરાબર 5:30 કલાકે મતદાન બંધ કરી મત પેટીઓ સીલ કરી દેવામાં આવી હતી. સાંજે 7:00 કલાક બાદ મતગણતરી શરૂ કરવામાં આવી હતી. ગત વખત કરતાં આ વખતની ચૂંટણીમાં 75 ટકા મતદાન થયું હતું. જોકે બીજી તરફ પ્રમુખ પદ માટેના ઉમેદવારોએ જંગીમતોથી જીત થશેનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે, 18 બેઠક માટે 43 વકીલોએ ઉમેદવારી નોંધાવી છે. સાંજે 7:00 વાગ્યાથી મત ગણતરી શરૂ થતા ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે મતગણતરી કેન્દ્ર ખાતે સ્ટેન્ડ બાય થઈ ગયા હતા. આ ચૂંટણીમાં 3,845 મતદારો નોંધાયા હતા. જેમાંથી 2922 મતદારોએ મતદાન કર્યું હતું. આ વખતે મતદારોની સંખ્યામાં પણ વધારો થતા મતદાન માટે પણ એક કલાક વધારાનો સમય ફાળવવામાં આવ્યો હતો. મતદાન મથક ઉપર કોઈ ગેરરીતી ન સર્જાય તે માટે સીસીટીવી કેમેરા મૂકી લાઈવ રેકોર્ડિંગ તથા પ્રસારણ કરવામાં આવ્યું હતું. અગાઉ આલ્ફાબેટેકલી નામ મુજબ મતદાન કરી શકાતું હતું પણ હવે સનદ નંબર મુજબ મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હતું.
મત ગણતરીમાં પ્રમુખ પદના ઉમેદવાર નલિન પટેલને કુલ 1763 મત મળ્યા છે. જેથી તેમનો વિજય થયો હતો. જ્યારે પ્રતિસ્પર્ધી ઉમેદવાર વિવાંક જોશીને 1040 મત જ્યારે નિલક ભાસ્કર રાવને 68 મત મળ્યા હતા. જ્યારે પ્રમુખ પદ માટેના મતદાનમાં આ વખતે 31 મત નોટાને મળ્યા છે. જ્યારે વિવિધ કારણસર 19 મત કેન્સલ થયા હતા. ઉપપ્રમુખ પદે 1133 મતથી નેહલ સુતરીયાનો વિજય થયો છે. જ્યારે પ્રતિસ્પર્ધી ઉમેદવાર રાજેશકુમાર ધોબીને 830 મત, ધર્મેશકુમાર પટેલને 760 મત અને ધર્મેન્દ્ર સિંહને 106 મત મળ્યા છે જ્યારે તેમની મતદાન ગણતરી વખતે 47 મત નોટાને મળ્યા છે. જ્યારે 44 મત વિવિધ કારણસર કેન્સલ થયા હતા. જનરલ સેક્રેટરી પદે 2132 મતથી રિતેશ ઠક્કરનો વિજય થયો છે. જ્યારે પ્રતિસ્પર્ધી ઉમેદવાર વિવેકકુમાર રાવને 699 મત મળ્યા હતા. તેમની મતદાન ગણતરીમાં પણ સૌથી વધુ 69 મત નોટા ને મળ્યા છે. જ્યારે વિવિધ કારણસર 20 મત કેન્સલ થયા છે. બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ માટે 3, ઉપપ્રમુખ માટે 4, જનરલ સેક્રેટરી માટે 2, જોઈન સેક્રેટરી માટે 2, લાઇબ્રેરી માટે 2, ટ્રેઝરર માટે 2, મેનેજિંગ કમિટી માટે 22 તથા મેનેજિંગ કમિટીમાં લેડીઝ રિઝર્વ માટે 6 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. હાલ, ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ત્યારે, પ્રતિષ્ઠાના આ જંગમાં પ્રમુખ પદે નલિન પટેલ,ઉપ પ્રમુખ પદે નેહલ સુતરીયા અને જનરલ સેક્રેટરી પદે રિતેશ ઠક્કરનો વિજય થયો છે. સમર્થકો દ્વારા આતશબાજી અને ફટાકડા ફોડી તેમની જીતને વધાવી લેવામાં આવી હતી.