અંગત કારણોસર રાજીનામું મૂક્યું હોવાનું એમડી અજય જોશીનું રટણ
( પ્રતિનિધિ )વડોદરા,તા.1
તાજેતરમાં જ બરોડા ડેરીના વહીવટમાં ગોબાચારી ચાલતી હોવાના ધારાસભ્ય અને બરોડા ડેરીના પૂર્વ ચેરમેને ગંભીર આરોપો લગાવ્યા હતા. જે બાદ ગતરોજ મળેલી બરોડા ડેરીની બોર્ડ મિટિંગમાં ડેરીના મેનેજિંગ ડિરેક્ટર અજયકુમાર જોશીનું રાજીનામુ મંજુર કરવામાં આવ્યું હતું. નિવૃત્તિને હજી 10 મહિનાનો સમય બાકી હોવા છતાં રાજીનામું આપતા તરેહ તરેહની ચર્ચાઓ થવા પામી હતી.

વિવાદોના વંટોળમાં ઘેરાયેલી બરોડા ડેરીના મેનેજિંગ ડિરેક્ટર અજયકુમાર જોશીએ ચોથા મહિનામાં રાજીનામું સોપ્યુ હતું. ગતરોજ મળેલી બોર્ડ મિટિંગમાં આ રાજીનામું મંજૂર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. અગાઉ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર અને બરોડા ડેરીના પૂર્વ ડિરેક્ટર અજીત ઠાકોર દ્વારા દૂધ મંડળીમાં ચાલતી ગેરરીતિને લઈ આક્ષેપો કરાયા હતા. જે બાદ રાજીનામાને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ હતી. . હાલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટરે અંગત કારણોસર રાજીનામું સોંપ્યું છે. મળતી માહિતી મુજબ આ રાજીનામા પાછળ મેનેજિંગ ડાયરેક્ટરનું અંગત કારણ હોવાનું તેમણે આગળ ધર્યું છે. ઉલ્લેખનીય છે કે મેનેજિંગ ડાયરેક્ટર ને હજી નિવૃત્તિને દસ મહિના બાકી છે તેમ છતાં પણ તેમણે રાજીનામું આપી દેતા તરેહ તરેહની ચર્ચાઓ ચાલી રહી છે. થોડા દિવસો પૂર્વે ધારાસભ્યે મૃત પશુપાલકોના નામે દૂધ ભરવામાં આવતું હોવાનો સનસનીખેજ આરોપ લગાવવામાં આવ્યો હતો. જે બાદ બરોડા ડેરીના પૂર્વ ચેરમેન દ્વારા પણ વહીવટ કર્તાઓ સામે ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. આ મામલો ભારે ચર્ચામાં રહ્યો હતો. જેને લઈને એમડીએ રાજીનામુ આપી દીધું હોવાનું અને તેને બોર્ડ મિટિંગમાં મંજુર કરવામાં આવ્યું હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.
હિમાંશુ ભટ્ટને નવા એમડી બનાવાયા
આ દરમિયાન બરોડા ડેરી તરફથી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે અજયકુમાર જોશી 2018થી બરોડા ડેરીમાં એમડી તરીકે કાર્યભાર સંભાળતા હતા. તેઓ ફેબ્રુઆરી 2026માં નિવૃત્ત થવાના હતા. પરંતુ અંગત કૌટુંબિક કારણોસર તેમણે એપ્રિલ 2025માં જ રાજીનામું આપી દીધું હતું અને તેમણે જેમ બને તેમ વહેલા છૂટા કરવા વિનંતી કરી હતી. બરોડા ડેરીએ gcmmf ને એમડી તરીકે યોગ્ય વ્યક્તિ શોધી આપવા વિનંતી કરી હતી. તે સંદર્ભમાં ફેડરેશન દ્વારા હિમાંશુ ભટ્ટને બરોડા ડેરીમાં એમડી નિયુક્ત કરવામાં આવ્યા છે. હિમાંશુ ભટ્ટ 27 વર્ષથી ફેડરેશનમાં વિવિધ હોદ્દાનો અનુંભવ ધરાવે છે. અજય જોશી 30 જૂન સુધી કાર્યરત રહી હિમાંશુ ભટ્ટને બરોડા ડેરીના કામકાજથી અવગત કરાવશે.