Vadodara

વડોદરા બનશે સ્માર્ટ સિટી: VMCના 70 સિગ્નલો 24 કલાક કાર્યરત

મ્યુનિસિપલ કમિશનરના નિર્ણયથી નાગરિકોને સુવિધા, અકસ્માતો ઘટશે અને ઇંધણનો વ્યય અટકશે; ટ્રાફિકનું ભારણ ઘટાડવા 10 નવા જંક્શનો પર સિગ્નલ લગાડાશે

વડોદરા શહેરના નાગરિકોને સુવિધાજનક અને સુવ્યવસ્થિત વાહન વ્યવહારની સુવિધા પૂરી પાડવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક મહત્ત્વપૂર્ણ અને પ્રગતિશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના સૂચન મુજબ, વડોદરા મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા તમામ 70 ટ્રાફિક જંક્શનો ખાતેના ટ્રાફિક સિગ્નલને હવેથી 24 કલાક કાર્યરત રાખવામાં આવશે.
અત્યાર સુધી રાત્રીના સમયે ટ્રાફિક સિગ્નલો બંધ રહેતા હતા, જેના કારણે અનેક જંક્શનો પર ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવતી હતી. આ નવા નિર્ણયથી હવે રાત્રિના ટ્રાફિક જામના તેમજ અકસ્માતોના પ્રશ્નોનો ઓછા થશે,જેના પરિણામે નાગરિકોને સુવિધાજનક વાહન વ્યવહારની સુવિધા મળશે.
​વળી, રાત્રીના સમયે ટ્રાફિકની સમસ્યાને કારણે બિનજરૂરી ઇંધણનો વ્યય થતો હતો, તેમાં પણ નોંધપાત્ર રાહત મળશે. ટ્રાફિક સિગ્નલ ચાલુ હોવાથી જંક્શનો પર થતા અકસ્માતોની સંખ્યામાં પણ ઘટાડો થશે, જે શહેરની સુરક્ષા માટે ખૂબ જ અનિવાર્ય છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ વ્યવસ્થાને વધુ સુચારુ બનાવવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી સિગ્નલનું સંચાલન કરવામાં આવશે. આનાથી બિનજરૂરી વાહનોને લાંબો સમય ઊભા રહેવું પડશે નહીં. ટ્રાફિકનો પ્રવાહ સરળ બનવાથી વાહનોની ગતિ નિયંત્રિત થશે, જેનાથી વાયુ પ્રદૂષણમાં પણ ઘટાડો થશે.
​મહાનગરપાલિકાનું લક્ષ્ય છે કે શહેરના નાગરિકો સુખરૂપ અને ઝડપથી તેમના ગંતવ્ય સ્થાને પહોંચી શકે. આ યોજના વડોદરા શહેરની સુખ-શાંતિ, પ્રગતિ અને સલામતી માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
હાલમાં કાર્યરત 70 સિગ્નલો ઉપરાંત, વડોદરા મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિકના વધુ ભારણવાળા અંદાજે 10 નવા જંક્શનો ખાતે પણ ટ્રાફિક સિગ્નલ લગાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવશે.

Most Popular

To Top