કિરણ ચાવડાએ કરેલા હુમલામાં મિતેશ લીમ્બાચીયાનું મોત, SSG હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કર્યો
વડોદરા શહેરમાં કાયદો-વ્યવસ્થાને લઈને ચિંતાજનક સ્થિતિ વચ્ચે વધુ એક હત્યાની ઘટના સામે આવતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. સુંદરપુરા રોડ પર આવેલા ઓર્નેટ કોમ્પ્લેક્સમાં હેર સ્ટુડિયોમાં કામ કરતા યુવક પર થયેલા જીવલેણ હુમલામાં તેનું મોત નીપજ્યું છે.
માહિતી મુજબ, હેર સ્ટુડિયોમાં કામ કરતા મિતેશ લીમ્બાચીયા પર અચાનક હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આ બનાવમાં કિરણ જશુભાઈ ચાવડાનું નામ આરોપી તરીકે સામે આવ્યું છે. કિરણ ચાવડા ઓર્નેટ કોમ્પ્લેક્સમાં જ રહે છે અને સ્ટુડિયો પાસે જ અનાજ-કરિયાણાની દુકાન ચલાવે છે. પ્રાથમિક માહિતી મુજબ બંને વચ્ચે થયેલા વિવાદ બાદ હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘટનાની જાણ થતા જ કપૂરાઈ પોલીસ તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. હત્યાના કારણો તેમજ હુમલાની પરિસ્થિતિ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં જ હત્યાના બે બનાવો સામે આવતા કાયદો-વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે અને શહેરમાં ફરી એકવાર ભયનું માહોલ સર્જાયો છે.