પ્રતિનિધિ વડોદરા તા.8
પ્લાસ્ટિકના રોલની આડમાં રૂ.68.14 લાખનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ભરીને વડોદરાથી હાલોલ તરફ જતી ગાડીને ગ્રામ્ય એલસીબીની ટીમે આસોજ ગામની સીમમાંથી ઝડપી પાડી હતી. દારૂ અને બિયરનો જથ્થો, અશોક લેલેન ગાડી, મોબાઈલ અને રકમ મળી રૂ.78.74 લાખનો મુદામાલ કબ્જે કરીને આગળની કાર્યવાહી માટે જરોદ પોલીસને સોપ્યો છે.
વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમ દ્વારા અવારનવાર હાઇવે પરથી પસાર થતા હેરાફેરી કરવામાં આવતી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામા આવતો હોય છે. 7 મેના રોજ રાત્રિના સમયે એલસીબી પીઆઈ કૃણાલ પટેલ દ્વારા સ્ટાફને વિદેશી દારૂની હેરાફેરી કરતા બૂટલેગરો ઉપર સતત વોચ રાખી ઝડપી પાડવા માટેની સૂચના આપી હતી. જેના આધારે રાત્રીના સમયે પીએસઆઇ એસ જે રાઠવા સહિતની ટીમ જરોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઇવે ઉપર પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન બાતમી મળી હતી કે એક બંધ બોડીની અશોક લેલન ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને વડોદરાથી હાલોલ તરફ જવાનો છે. જેના આધારે એલસીબી ટીમ આસોજ ગામની સીમમાં જોર્ડ કંપની આગળ રોડ ઉપર વડોદરાથી હાલોલ તરફ જતી ટ્રેક ઉપર વોચમાં ગોઠવી હતી. દરમ્યાન બાતમીવાળી ગાડી આવતા તેને ઉભી રખાવી તપાસ કરાવી હતી ત્યારે તેમાં ડ્રાઇવર એકલો બેઠેલો હતો. જેને નીચે ઉતારી પૂછતાછ કરતા તેણે પોતાનું નામ નાસીર ઈબ્રાહીમ મનસુરી ( રહે.14 ગ્રીનપાર્ક, ધાર રોફ ઇન્દોર (M.P.) નો હોવાનું જણાવ્યુ હતું. તેને સાથે રાખી ગાડીમાં તપાસ કરતા પ્લાસ્ટીકના રોલની આડમાં સંતાડી રાખેલો રૂ. 68.14 લાખનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂ બિયરનો જથ્થો, મોબાઈલ રૂા. 5 હજાર, રોકડા રૂ.5 હજાર, અશોક લેલન ગાડી રૂ.10 લાખ તથા પ્લાસ્ટીકના રોલ મળી રૂ.78.24 લાખનો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી જરોદ પોલીસ સ્ટેશનમાં આરોપી અને મુદામાલ સોંપવામાં આવ્યો છે. પોલીસે ડ્રાઇવરની પૂછપરછ વિદેશી દારુનો જથ્થો કોની પાસેથી, ક્યાંથી ભરી લાવ્યો છે અને કોને, કઈ જગ્યાએ આપવાનો હતો. ત્યાંરે આરોપીએ જાવેદ (રહે.ઇન્દોર,M.P.)એ ઇન્દોર હાઇવે ઉપરથી દારૂ ભરેલી ગાડી આપી હતી.