વડોદરા તા.21
વડોદરા શહેરના પ્રતાપનગર રામકૃષ્ણ બ્લોકના પહેલા માળે ચાલતા જુગાર પર નવાપુરા પોલીસે રેડ કરતા જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી. જેમા 8 ખેલી ઝડપાઈ ગયા હતા. પોલીસે જુગારીયાઓની અંગજડતી તથા દાવ પર લાગેલી રકમ સહિત એક રિક્ષા, બે મોપેડ, 4 મોબાઇલ મળી રૂ.1.50 લાખનો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતરમાં નવાપુરા વિસ્તારમાંથી 9 ખેલી ઝડપાયા હતા. જેને લઈ નવાપુરા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં ફરી રહી હતી. દરમિયાન બાતમી મળી હતી કે પ્રતાપનગર રામકૃષ્ણ બ્લોક પહેલા માળે ગેલેરીમાં કેટલાક લોકો ભેગા મળીને જુગાર રમે છે. જેના આધારે પોલીસની ટીમે બાતમી મુજબના સ્થળ પર રેડ કરી હતી. પોલીસને જોઈને જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી. જેમાં સ્થળ પરથી આઠ ખેલી યોગેશ મેઘરાજ વંજાણી, વસીમ ઉર્ફે આસીફ રમઝાન સીધી, હુસૈન અબ્દુલગની મન્સુરી , ફિરોજ ઇબ્રાહીમ સુમરા , અબ્બાસી શાહબુદીન ઉડાવાલા, સલીમ ફકીરમોહંમદ શેખ, સીકંદર અબ્દુલભાઇ ખોખર અને અબ્દુલગની અલાઉદ્દીન પઠાણ ઝડપાઈ ગયા હતા. પોલીસે જુગારીઓની અંગઝડતી કરતા તથા દાવ પર લાગેલી રોકડ રકમ મળી રોકડા રૂ. 13 હજાર તથા 4 મોબાઇલ રૂ.27 હજાર તથા એક મોપેડ રૂ. 10 હજાર તથા બે રીક્ષા રૂપિયા 1 લાખ મળી કુલ રૂ.1.50 લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.