Vadodara

વડોદરા : પુરવઠા વિભાગની બેદરકારી,સીલ કરેલો અનાજનો જથ્થો સડી ગયો

5 વર્ષ વિતી ગયા હોવા છતાં કોઇએ તેના પર ધ્યાન આપ્યું નહીં

દુર્ગંઘ ફેલાતા લોકો દોડી આવ્યા, જથ્થો દુર્ગંધ મારે તે હદ સુધી સડી ગયેલો અને કીડા ફરતા જોવા મળ્યા

( પ્રતિનિધિ )વડોદરા,તા.31

વડોદરાના કરજણમાં આવેલા કાસમપુરા ગામે તંત્ર દ્વારા અનાજને સીલ કરીને મુકવામાં આવ્યું હતું. આ વાતને 5 વર્ષ વિતી ગયા હોવા છતાં કોઇએ તેના પર ધ્યાન આપ્યું ન્હતું. આખરે આ અનાજનો જથ્થો સડી ગયો છે. જે લગભગ હવે કોઇને કામ લાગે તેમ નથી. આ જથ્થો અંદાજીત 1 હજાર લોકોને 100 દિવસ સુધી કામ લાગી શકે તેટલો હોવાનું સુત્રોએ જણાવ્યું છે. આ જથ્થો પુરવઠા વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યો હતો. જે મામલે બે સામે ગુનો નોંધાયા બાદ કેસ હાઇકોર્ટ પહોંચ્યો હતો.

વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલા કાસમપુરામાં ત્રિકમ નામના શખ્સની વાડીમાંથી હજારો કિલો અનાજનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે જે તે સમયે પુરવઠા વિભાગના નાયબ મામલતદાર દ્વારા બે સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે બાદ આ મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. આ મામલે સીલ કરેલા અનાજને કાસમપુરા પાસે આવેલા ગોડાઉનમાં મુકી રાખવામાં આવ્યો હતો. આ ઘટનાને 5 વર્ષ વિતી ગયા બાદ પણ અનાજની હાલત જોવાની કોઇએ દરકાર રાખી ન હતી. દરમિયાન આસપાસના વિસ્તારમાં ભારે દુર્ગંઘ ફેલાતા લોકો દોડીને સ્થળ સુધી આવ્યા હતા. અને જોયું તો અનાજને જથ્થો દુર્ગંધ મારે તે હદ સુધી સડી ગયેલો મળી આવ્યો હતો. અનાજમાં કીડા ફરી રહ્યા હતા, અને લાંબા સમય સુધી અહિંયા ઉભા રહેવું પણ મુશ્કેલ હતું. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. આ ઘટનામાં સડી ગયેલો અનાજનો અંદાજીત જથ્થો એક હજાર લોકોને 100 દિવસ ચાલે તેટલો હોવાનું જણવા મળી રહ્યું છે. આ ઘટનાને પગલે તંત્રની બેદરકારી છતી થવા પામી છે. ગોડાઉનમાં 22 હજાર કિલો ઘઉ, 28 હજાર 50 કિલો ચોખા, 650 કિલો ખાંડ, 250 કિલો મીઠું, 50 કિલો ચણા સીલ કરીને મુકી રાખવામાં આવ્યા હતા. તે પૈકી મોટા ભાગનું અનાજ સડી ગયું હોવાનું જાણવા મળ્યું હતું.

Most Popular

To Top