પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ શાખા ત્રાટકી; એક આખી ટ્રક ભરીને લારી-ગલ્લા અને ગેરકાયદે સામાન જપ્ત કરાયો
વડોદરા : મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકને નડતરરૂપ ગેરકાયદે દબાણો દૂર કરવાની ઝુંબેશ તેજ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા શહેરના વ્યસ્ત ગણાતા ભૂતડીઝાંપાથી ફતેપુરા ચાર રસ્તા સુધીના માર્ગ પર મોટા પાયે દબાણ વિરોધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

દબાણ શાખાની ટીમે પોલીસ કાફલાને સાથે રાખીને આ કામગીરી શરૂ કરી હતી. ભૂતડીઝાંપાથી લઈને ફતેપુરા ચાર રસ્તા સુધીના આખા માર્ગ પર રસ્તાની બંને બાજુએ પથરાયેલા ગેરકાયદે લારી-ગલ્લા અને શેડ દૂર કરવામાં આવ્યા હતા.

વહીવટી વોર્ડ નંબર 6 અને 7 માં આવતા આ વિસ્તારમાં રોડ લાઈનમાં નડતરરૂપ હંગામી દબાણો હટાવવાની કામગીરી ચાલુ છે. અત્યાર સુધીની કામગીરીમાં ગેરકાયદેસર રીતે મુકાયેલા શેડ અને લારી-ગલ્લાઓ હટાવીને આશરે એક ટ્રક ભરીને સામાન જપ્ત કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ માર્ગ પર ગેરકાયદે દબાણોને કારણે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી. પાલિકાની આ ડ્રાઈવ બાદ વાહનચાલકોને અવરજવરમાં રાહત મળશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, શહેરના અન્ય વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં આ પ્રકારે દબાણ દૂર કરવાની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.