શહેર ભાજપ પ્રમુખના સૂચનોની અવગણના વચ્ચે ફરી વિકાસ કામો અટક્યા
કમાટીબાગ ઝૂમાં નવા ફૂટ ઓવરબ્રિજના કામ સામે વિવાદ, રૂ.14.62 કરોડની દરખાસ્ત મુલતવી
વડોદરા; શુક્રવારે યોજાયેલી વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 23 કામોની દરખાસ્તો રજૂ કરાઈ હતી. લાંબા સમય બાદ પાલિકાની સ્થાયી સમિતિ સમક્ષ એકસાથે 23 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. 23 પૈકી બે કામો સ્થાયી દ્વારા મુલતવી કરાયા છે. જેમાં કમાટીબાગ ઝૂમાં જૂના પુલની બાજુમાં નવા ફૂટ ઓવરબ્રિજ બનાવવા માટે 32% વધારે ભાવ ધરાવતી રૂ.14.62 કરોડની દરખાસ્તને મુલતવી કરાઈ છે. સાથે જ પૂર્વ ઝોનમાં સિવિલ વર્ક માટે રજૂ થયેલી દરખાસ્ત પણ મુલતવી કરાઈ છે. મળતી માહિતી મુજબ, કમાટીબાગમાં ફૂટ ઓવરબ્રિજ બનાવવા સામે સ્થાયીના એક સભ્યે વિરોધ કર્યો હતો. જેને પગલે આ કામ હાલ પૂરતું મુલતવી કરાયું છે. પૂર્વ વિસ્તારમાં વાર્ષિક કામના ઇજારાને લઈને સ્થાયીના એક મહિલા સભ્યે ઉગ્ર વિરોધ કરતા તે કામ પણ મુલતવી કરાયું છે. ઉલ્લેખનીય છે કે, શહેર ભાજપ પ્રમુખ ડૉ જયપ્રકાશ સોનીએ અનેકવાર સૂચન કર્યું હોવા છતાં વધુ એકવાર તેમના સૂચનોની અવગણના કરી સ્થાયીમાં કામો મુલતવી થવાનો સિલસિલો ફરી એકવાર શરૂ થઈ ગયો છે. સ્થાયીના સભ્યોના આંતરિક વિખવાદને પગલે હવે ફરી એકવાર વિકાસ કામોમાં બ્રેક લાગવાની શરૂઆત થઈ ગઈ છે.
ગતરોજ સ્થાયી સમિતિની બેઠક પહેલા મળેલી સંકલન બેઠકમાં બે કામોને લઈને સભ્યોએ અંદરો અંદર એકબીજાનો વિરોધ કરી કામો મુલતવી કરાવ્યા હતા. કમાટીબાગમાં ઝૂમાં જૂના પુલની બાજુમાં નવા ફૂટ ઓવરબ્રિજ બનાવાના કામને લઈને સ્થાયીના એક સભ્યે પોતાનો મત રાખતા કહ્યું હતું કે, આ બ્રિજ હેરિટેજ બ્રિજ છે. આ બ્રીજની મરામત કરવામાં આવે તો બ્રિજ વપરાશ લાયક બની શકે એમ છે. આ બાબતે અન્ય સભ્યોએ કહ્યું, પાલિકાએ બ્રીજની મજબૂતાઇ અંગે કરાયેલા રિપોર્ટમાં આ બ્રિજ લાંબો સમય ટકી શકે એમ નથી. આ બ્રિજને તાત્કાલિક તોડી નવો બનાવવો જરૂરી છે. આ ચર્ચાઓ વચ્ચે ફરી એકવાર બ્રિજ રિપેર કરવા માટે એક સભ્યે પોતાની રજૂઆત કરી. વધુમાં સભ્યે કહ્યું કે, મેં કરાવેલા રિપોર્ટ અનુસાર આ બ્રિજનું સમારકામ કરીએ તો તે ફરીથી લોકો માટે ખુલ્લો મૂકી શકાય એમ છે. જો કે આ તમામ ચર્ચાઓ વચ્ચે આખરે આ બ્રિજનું કામ મુલતવી કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, મોરબી દુર્ઘટના બાદ રાજ્યભરમાં બ્રિજ ચકાસવામાં આવ્યા હતા તે પૈકી કમાટીબાગ ઝૂનો આ બ્રિજ પણ ચકાસવામાં આવ્યો હતો. જે બાદ આ બ્રિજ લોકઉપયોગ માટે બંધ કરવામાં આવ્યો હતો. પૂર્વ વિસ્તારમાં સિવિલ કામના ઇજારાને લઈને બે મહિલા સભ્યો અને સ્થાયીના એક સભ્ય વચ્ચે બોલામણા થયા હતા. જેમાં શહેરના એક ધારાસભ્યનું નામ પણ ઉછળ્યું હતું. જોકે કામની વિગતની માંગણી કરતા મહિલા સભ્યની વાતને આખરે માન્ય રાખી કામ મુલતવી કરાયું હતું.