Vadodara

વડોદરા પાલિકાએ પકડેલા રખડતાં ઢોરને માથાભારે ત્રણ ગૌપાલકો છોડાવી ગયા


*શહેરમાં ગૌપાલકોની દાદાગીરી, પાલિકાના ઢોર શાખાના કર્મીઓ અને પોલીસ કર્મી સાથે ઝપાઝપી પર ઉતરી આવ્યા*

*ત્રણ અજાણ્યા ગૌપાલકો વિરુદ્ધ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી*

(પ્રતિનિધિ) વડોદરા તા. 08


શહેરના હરણી વિસ્તારમાં આવેલા માણેકપાર્ક થી ખોડિયારનગર જતાં મિલન પાર્ટી પ્લોટ નજીક રોડ પરથી વડોદરા મહાનગરપાલિકાના ઢોર શાખાની ટીમ સાથે જ પોલીસ કર્મીની હાજરીમાં ગત તા.07 માર્ચે મોડી રાત્રે રખડતાં પશુને પકડતા ત્રણ માથાભારે ગૌપાલકોએ આવી જઇ ઢોર શાખાના કર્મીઓને લાકડી લઈને મારવાની કોશિશ સાથે અભદ્ર વ્યવહાર કરી જબરજસ્તી એક પશુ છોડાવી જતાં સમગ્ર મામલે હરણી પોલીસ સ્ટેશનમાં ત્રણ અજાણ્યા ગૌપાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં રખડતાં પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે.શહેરના તરસાલી,બાપોદ, હરણી રોડ, આજવારોડ,સમા, છાણી, માંજલપુર સહિતના વિસ્તારોમાં રખડતાં પશુઓને કારણે વાહનદારીઓ અને રાહદારીઓને ભારે હાલાકી ઉઠાવવી પડે છે.રોડ ટેક્સ સહિતના ટેક્ષ ભરતા શહેરીજનોને રખડતાં પશુ મુક્ત રોડ રસ્તાઓની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોય તેમ જણાય છે.શહેરમા રખડતાં પશુઓને કારણે અગાઉ કેટલાક લોકો મૃત્યુ પામ્યા હતા અને કેટલાય કાયમી ખોડખાંપણ નો શિકાર બન્યા છે.ઘણા એવા લોકો પણ છે જેઓના ઘરમાં કમાનાર એક માત્ર હોવાનું અને તે રખડતાં પશુનો ભોગ બનતા આખા પરિવારને સહન કરવાનો વારો આવ્યો છે. હાઇકોર્ટે પણ રાજ્ય સરકારને રખડતાં પશુઓને કારણે ફટકાર લગાવતા સરકારે પાંચ મહાનગરોમાં કેટલ પોલીસીના અમલ માટે સૂચના આપી હતી થોડો સમય તો તટસ્થ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ પશુપાલકો ની દાદાગીરી સામે જાણે ઢોર પકડવાની કામગીરીમાં ઢીલાશ આવી ગઇ છે.
ત્યારે શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતા અને વડોદરા મહાનગરપાલિકાના ઢોર શાખામાં ફરજ બજાવતા વૈભવકુમાર કહાર તથા સ્ટાફના કર્મચારીઓ સાથે જ પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી સાથે ગત તા.07 માર્ચના રોજ મોડી રાત્રે રખડતાં પશુઓને પકડવાની કામગીરી કરી રહ્યા હતાં. તે દરમિયાન રાત્રે દોઢેક વાગ્યાના સુમારે શહેરના હરણી માણેક પાર્કથી ખોડિયારનગર જતાં મિલન પાર્ટી પ્લોટ પાસે એક રખડતાં પશુને પકડી હતી. તે દરમિયાન એક સફેદ કાળી લીટીવાળો શર્ટ પહેરેલો માથાભારે ગૌપાલક તથા તેની સાથે બીજા બે ગૌપાલકો દોડી આવ્યા હતા અને વૈભવ કહાર તથા ગાડીના ડ્રાઈવર ઇસ્માઇલ યુસુફભાઈ મલેક ને લાકડીથી મારવા માટે દોડી આવતા અન્ય ઢોર શાખાના કર્મીઓ તથા પોલીસ કર્મીએ આવી લાકડીના મારથી બચાવ્યા હતા. તે દરમિયાન ત્રણેય માથાભારે ગૌપાલકોએ ઢોર પાર્ટીના ઇન્સ્પેકટર સાથે અપશબ્દો બોલી દાદાગીરી સાથે અભદ્ર વ્યવહાર કરી ઝપાઝપી કરીને પકડેલી ગાયને છોડાવી ગયા હતા. આમ ત્રણેય માથાભારે ગૌપાલકોએ દાદાગીરી કરીને સરકારી કામમાં અડચણ ઉભી કરી રખડતું પશુ છોડાવી જવાની હરણી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં જ્યારે પણ પાલિકાની ઢોર શાખાના કર્મીઓ રખડતાં પશુઓને પકડવા નિકળે છે ત્યારે પશુપાલકો મોટી સંખ્યામાં એકત્રીત થઇ દ્વિચક્રી વાહનો પર ચિચિયારીઓ પાડી ભયનું વાતાવરણ સર્જી પૂરઝડપે મોટરસાયકલ ચલાવી પશુધનને રોડ પર જોખમી રીતે દોડાવી ભગાડીને લઈ જાય છે જેના કારણે ઘણીવાર વાહનદારીઓ અને રાહદારીઓને અકસ્માતનો ભોગ બનવું પડે છે.શહેરમા પાલિકા તંત્ર દ્વારા પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે ઢોર પકડવાની કામગીરી તટસ્થતાથી કરવામાં આવે તો જ શહેરીજનોને રખડતાં પશુ મુક્ત રોડ મળી શકે.

Most Popular

To Top