અગાઉ ઢોરવાળા સામે કાર્યવાહી કરી લાયસન્સ લેવા અને ઢોરોના ટેગીંગ કરાવવા સૂચના અપાઈ હતી :
ભૂતકાળમાં અનેક વખત રખડતા ઢોરોના કારણે નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે :
વડોદરા મહાનગર પાલિકાની વડી કચેરી ખાતે વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિન્કીબેન સોનીને ગૌપાલકો દ્વારા ટેગીંગ તેમજ ઢોરવાડાના દબાણો દૂર કરવા જેવી બાબતો મામલે રજૂઆત કરવામાં આવી હતી.
રખડતા ઢોર, બિસ્માર રસ્તાઓ, માર્ગો-ફૂટપાથ પર ગેરકાયદે પાર્કિંગ-દબાણો સહિતના મુદ્દે ગુજરાત હાઇકોર્ટના વારંવારના નિર્દેશો અને કડક ચેતવણીઓ છતાં પરિસ્થિતિમાં કોઇ જ સુધારો નહી આવતાં ગુજરાત હાઇકોર્ટે છેવટે ગુરૂવારે રાજયના ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી એમ.કે.દાસ અને શહેર વિકાસ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી અશ્વિનીકુમારને તા.29મી ઓગસ્ટે હાઇકોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રહેવા ફરમાન કર્યું છે. ત્યારે બીજી બાજુ વડોદરા શહેરમાં વસતા ગૌપાલકો દ્વારા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી પોતાની વેદના વડોદરાના મેયર પિન્કીબેન સોની સમક્ષ વ્યક્ત કરી હતી. મોટી સંખ્યામાં ગૌપાલક આ રજૂઆતમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગાયોને થતા ટેગિંગને લઈને તેમજ પોતાના ઢોરવાડા દબાણો દૂર કરવાને લઈને વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિન્કીબેન સોનીને રજૂઆત કરવામાં આવી હતી. નોંધણીય છે કે, રખડતા શ્વાનોના કારણે બનતા અકસ્માતો અટકાવવા માટે હાઇકોર્ટે મહાનગર પાલિકાને અનેક વખત ફટકાર લગાવી છે તેમ છતાં શહેરોમાં રખડતા ઢોરોનો ત્રાસ તેમજ અકસ્માત આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે. જેને લઇને ગૌપાલકો દ્વારા આ મુદ્દે હાથ ઝટકીને અનેક તર્ક વીતર્ક આપી રહ્યા છે. અત્યાર સુધી વડોદરા મહાનગર પાલિકાની ઢોરમુક્ત કામગીરી પોકળ સાબિત થઈ છે. હવે જોવાનું રહેશે કેટલી વહેલી તકે ખરા અર્થમાં વડોદરાને ઢોરમુક્ત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષોથી ઢોરવાડ રાખતા ગૌપાલક પાસે લાઇસન્સ નો અભાવ જોવા મળે છે. જેના કારણે પાલિકાની દબાણ શાખા ટીમ દ્વારા ગેરકાયદેસર ઢોરવાડોના દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવે છે.