ગોલ્ડન ચોકડીથી વાઘોડિયા તરફ જતા રસ્તામાં બસ ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત :
ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા :
( પ્રતિનિધિ )વડોદરા,તા.5
વડોદરા શહેર નજીક વાઘોડિયાની ખાનગી યુનિવર્સિટીની બસને અકસ્માત નડતા બસ કાંસમાં ખાબકી હતી. વહેલી સવારે જે તે સ્થળેથી વિદ્યાર્થીઓને લઈ યુનિવર્સીટી મુકવા જઈ રહેલી બસના ચાલકે ગોલ્ડન ચોકડીથી વાઘોડિયા ચોકડી વચ્ચે ગ્રામ્યના સર્કિટ હાઉસ પાસે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. અકસ્માતમાં બસ ચાલક 2 વિદ્યાર્થીઓ સહિત ત્રણને નાની-મોટી ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું. રોડ સાઈડે બસ કાંસમાં ઉતરી ગઇ હતી અને ત્યાર બાદ પલટી જતા તેની સ્પીડ કેટલી હશે તે આ દ્રશ્યો પરથી ફલિત થાય છે.


વડોદરા શહેર નજીક વાઘોડિયામાં પારૂલ યુનિવર્સિટી આવેલી છે. આ યુનિવર્સિટીમાં સમગ્ર રાજ્ય સહિત વિદેશમાંથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસાર્થે આવે છે. ત્યારે તેમને લાવવા લઇ જવા માટે લક્ઝરી બસની સુવિધા યુનિવર્સીટી દ્વારા ઉપલબ્ધ બનાવાઈ છે. ત્યારે, આજે વહેલી સવારે રાબેતા મુજબ નિયત રૂટ પર વિદ્યાર્થીઓને લઇ બસ વાઘોડિયા ખાતે આવેલી યુનિવર્સીટીમાં જઈ રહી હતી. આ દરમિયાન ગોલ્ડન ચોકડીથી વાઘોડિયા તરફ જતા, રસ્તામાં આવતા ગ્રામ્ય સર્કિટ હાઉસ પાસે બસ ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને વિદ્યાર્થીઓ ભરેલી બસ કાંસમાં ખાબકી અને બસ કાંસમાં ઉતર્યા બાદ પલટી ખાઇ ગઇ હતી. ઘટનાને પગલે બુમાબુમ થતા વિસ્તારના લોકો દોડી આવ્યા હતા. અને બસમાં ફસાયેલા તથા ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનામાં બે વિદ્યાર્થીનીઓ અને ચાલક સહિત ત્રણ ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું હતું. તમામ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. જ્યારે ઘટનાની જાણ થતા કપુરાઇ પોલીસ મથકનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. આ અકસ્માત સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા થયો કે કોઈ અન્ય કારણસર અકસ્માત થયો તે દિશામાં પણ પોલીસે આગળની તપાસ હાથધરી હોવાનું જાણવા મળ્યું છે.
