Vadodara

વડોદરા : પાન પાર્લરના વેપારીનું ફિલ્મી સ્ટાઇલમાં અપહરણ, લૂંટ બાદ કેનાલમાં ફેંકી હત્યાનો પ્રયાસ

વેપારીને ચાકુ બતાવી મોબાઈલ એટીએમ કાર્ડ અને રોકડા રૂપિયા લૂંટી લીધા, ધમકી આપીને એટીએમ મેળવી લીધા બાદ અલગ અલગ જગ્યા પરથી એટીએમ પિન દ્વારા રૂ.1 લાખ ઉપાડી લીધા

વડોદરા, તા. 9
વડોદરા શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક પાન પાર્લરના વેપારી ની એકટીવા સાથે અકસ્માત કર્યા બાદ તેમનું ફિલ્મી સ્ટાઇલમાં 5 શખ્સ દ્વારા કારમાં અપહરણ કરાયુ હતુ. ચાકુ બતાવીને વેપારી પાસેથી મોબાઈલ, પર્સ સાથે રોકડ રકમ અનેવએટીએમ લૂંટી લીધું હતુ. ત્યારબાદ એટીએમ દ્વારા અંદાજે રૂ.1 લાખ ઉપાડ્યા હતા. અંતે આણંદ જિલ્લાના સોજીત્રા નજીક કેનાલમાં ફેકી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ગભરાઈ ગયેલા યુવકે પાંચ લૂંટારૂ વિરુદ્ધ છાણી પોલીસ સ્ટેશનના ફરિયાદ નોંધાવી છે.
છાણી વિસ્તારમાં રહેતા હરણી વિસ્તારમાં પાન પાર્લરની દુકાન ચલાવતા વેપારી ગીરીશભાઈ રણછોડભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ 8 એપ્રિલના રોજ રાત્રે તેઓ હરણી વિસ્તારમાં પોતાની દુકાન બંધ કરી એક્ટીવા પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે છાણી-સોખડા રોડ પર ગીરીરાજ સ્કૂલ પાસે એક સફેદ સ્વિફ્ટ કાર દ્વારા જાણે જોઈને અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત બાદ કારમાંથી ઉતરેલા શખ્સોએ ગીરીશભાઈને બળજબરીપૂર્વક કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. ત્યારબાદ આરોપીઓએ હથિયાર બતાવીને તેમનો મોબાઈલ, પર્સ તથા રોકડ કબજે કરી ત્યારબાદ એટીએમનો પિન નંબર મેળવી લીધો હતો.
આરોપીઓએ શહેર તથા હાઈવે પર અલગ અલગ સ્થળોએ લઈ જઈ અંદાજે રૂ. 1 લાખ જેટલી રકમ ઉપાડી લીધી હતી. બાદમાં આનંદ જિલ્લાના સોજીત્રા નજીક કેનાલ પર લઈ જઈ પુલ પરથી પાણીમાં ફેંકી દીધા હતા.
સદનસીબે ગીરીશભાઈ પિલરને પકડી જીવતા બચી ગયા અને સવાર સુધી છુપાઈ રહ્યા પછી સ્થાનિકોની મદદથી પરિવારને જાણ કરી ઘરે પરત ફર્યા હતા. સમગ્ર બનાવ અંગે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે અજાણ્યા 5 શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સોજીત્રા કેનાલમાં ફેંકી હત્યાનો પ્રયાસ

અપહરણકારો વેપારી યુવકને સોજીત્રા નજીક કેનાલ પર લઈ ગયા હતા. ત્યાં કારમાંથી નીચે ઉતાર્યા બાદ તેને પુલ પરથી જીવતા પાણીમાં ફેંકી દીધો હતો. જોકે સદનસીબે યુવક પિલરને પકડીને લટકી રહ્યો હતો. અપહરણ કરો ગયા બાદ યુવક પાણીમાંથી બહાર આવ્યો અને રાત્રે અંધારામાં છુપાઈ રહ્યો. સવારમાં સ્થાનિકોની મદદ મેળવી પોતાના પરિવારને જાણ કરતા તેઓ તેમને લેવા માટે આવી પહોંચ્યા હતા.

આજે આને પૂરો કરી દઈશું તેવી પણ ફોન પર લૂંટારૂઓ વાત કરતા હતા, માસ્ટર માઈન્ડ અલગ હોવાની આશંકા
વેપારી યુવકે જણાવ્યું હતું કે કારમાં પાછળની સીટ પર બેઠેલા એક લૂંટારૂએ મને પુછયુ કે “તુ કૌશિકને ઓળખે છે, તે તારી વાઇફ જોડે વાત કરે છે, તો તને શું પ્રોબ્લેમ છે? અને પછી મને જ્યારે ગાડીમાં ફેરવતા હતા ત્યારે બે લોકો તેઓના મોબાઇલ ફોન પર વાતચીત કરતા હતા કે, “આને ઉપાડી લીધો છે અને આને આજે પુરો કરી દઈશું પછી તે વખતે મારી બાજુમાં બેસેલ શખ્સે કોઈને ફોન કરી અને તેના એકાઉન્ટમાં રુપિયા 25 હજાર નાખવાની તથા ગાડી ચલાવનારે પણ કોઈને ફોન પર તેના એકાઉન્ટમાં 20 હજાર નાખવાની વાત કરી હતી. જેથી આમાં માસ્ટરમાઈન્ડ કોઈ અલગ હોય તેવું લાગી રહ્યું છે.

Most Popular

To Top