શહેરમાં વરસાદે છેલ્લા48કલાકથી વિરામ લીધા છતાં કેટલાક સ્થળોએ વરસાદી પાણીના નિકાલના અભાવે મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાની ભીતિ
પાલિકા તંત્ર દ્વારા પાણીના નિકાલ તથા પાણી ઓસર્યા બાદ સ્વચ્છતા અને દવા છંટકાવની કામગીરી ન કરાતાં રોગચાળો ફેલાવવાની દહેશત લોકો વ્યક્ત કરી રહ્યાં છે..
શહેરમાં બુધવારે વરસેલા વરસાદ તથા ઉપરવાસમાંથી પાણીની વિશ્વામિત્રી નદીમાં પાણીની આવકને શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયાં હતાં. આ વરસાદી પાણીની સાથે સાથે કચરો પણ જમા થઇ ગયો છે. છેલ્લા 48 કલાકથી વડોદરામાં તથા ઉપરવાસમાં વરસાદે વિરામ લીધા છતાં શહેરના વિશ્વામિત્રી ટાઉનશીપ, વડસર, કલાલી, કારેલીબાગ વિસ્તારમાં આવેલા જલારઃમનગર, આજવારોડના વિસ્તારો, વાઘોડિયા રોડ થી સોમાતળાવ વિસ્તાર સુધીમાં વરસાદી પાણી સાથે ગંદકીના કારણે રોગચાળો ફેલાવવાની દહેશત લોકોમાં વર્તાઇ રહી છે. પાલિકા તંત્ર દ્વારા યોગ્ય પાણીના નિકાલ અને સ્વચ્છતા ન કરાતાં રોગચાળો અને મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાની શક્યતાઓ વધી છે. પાલિકા તંત્ર દ્વારા જ્યાં જ્યાં પાણીના નિકાલ નથી થયા ત્યાં વરસાદી પાણીનો નિકાલ કરી સ્વચ્છતા તથા દવા છંટકાવની કામગીરી કરવી જોઈએ અન્યથા જે રીતે માનવ સર્જીત પુર જેવી પરિસ્થિતિ ઉદભવી છે તે જ રીતે રોગચાળો પણ વકરવાની શક્યતાઓ જોતાં લોકો ચિંતિત બન્યા છે.