વડોદરા શહેરના પશ્ચિમ ઝોનમાં પાણી પુરવઠા, ડ્રેનેજ અને રસ્તા સંબંધિત કામગીરી માટે પાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચ માટે સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી મેળવવા મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. વિવિધ વોર્ડોમાં પાણીની લાઇન લીકેજ, કોન્ટામિનેટેડ પાણીની ફરિયાદો અને ડ્રેનેજ સફાઈ માટે ખાસ પ્રકારની મશીનરી ભાડે લેવા સહિતના નિર્ણયો લેવામાં આવ્યા છે.
વોર્ડ નં. 12 કૈલાશ શિખર પાસેથી પાદરા રોડ સુધીના ખુલ્લા વાસણા બાંકો પર સ્લેબ ભરવાના કામ માટે રૂ. 4.16 કરોડથી વધુ ખર્ચ
વોર્ડ નં. 12માં કૈલાશ શિખરથી પાદરા રોડ સુધીના ખુલ્લા વાસણા બાકો પર સ્લેબ ભરવાના કામ માટે મે. ભાવિન એન્ટરપ્રાઇઝના રૂ. 4,16,73,668 + GSTના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે. આ કામ માટે કુલ અંદાજીત રકમ રૂ. 4.76 કરોડ હતી જેમાંથી 12.51 લાખ ઓછા દરે કામ મંજૂર થયું છે.
પાણી પુરવઠા માટે વાર્ષિક ઈજારા ખર્ચમાં વધારો
પશ્ચિમ ઝોનના વહીવટી વોર્ડ નં. 09(આઈ), 10(જે), 11(ડે), 12(એલ) અને 08(એચ)માં પાણીની નળિકાની વાર્ષિક ઈજારા માટે રૂ. 75 લાખની નાણાંકીય મર્યાદા હતી. પરંતુ છેલ્લા 7 મહિનામાં વારંવાર લીકેજ, કોન્ટામિનેટેડ પાણી જેવી સમસ્યાઓ ઉકેલવા માટે અને ચોમાસા દરમિયાન ત્વરિત કામગીરી માટે કુલ રૂ. 20/30 લાખ સુધી વધારાની મર્યાદા મંજૂર કરવા રજૂઆત કરવામાં આવી છે. પરિણામે, કેટલાક વોર્ડમાં કુલ નાણાંકીય મર્યાદા રૂ. 95 લાખથી 1.05 કરોડ સુધી વધારવામાં આવી છે.
પાલિકા દ્વારા વિવિધ કાંસોની (ડ્રેનેજ) સફાઈ માટે ખાસ પ્રકારનું ડ્રેઇન માસ્ટર DM-350 ફલોટીંગ પોકલેઇન મશીન બે મહિનાં માટે મે. કલીનટેક ઇન્ફ્રા પ્રા. લી. પાસેથી રૂ. 28,80,000 + GSTના ખર્ચે ભાડે લેવા માટે ટેન્ડરની પ્રક્રિયાથી મુક્તિ આપી મંજૂરી માટે રજૂઆત કરાઈ છે. આ મશીનને એક સાઇટ પરથી બીજી સાઇટ પર ખસેડવા માટે જરૂરી ક્રેન અને ટ્રેલર પણ ભાડે લેવામાં આવશે, જે માટે અલગથી ખર્ચ મંજૂર કરાયો છે.
પાલિકા દ્વારા જણાવાયું છે કે ચોમાસાની ઋતુ દરમ્યાન પાણીની લાઇન લીકેજ અને કોન્ટામિનેટેડ પાણીની ફરિયાદો વધવાની શક્યતા હોવાથી, તમામ વોર્ડમાં ત્વરિત કામગીરી માટે નાણાંકીય મર્યાદા વધારવાની જરૂરીયાત છે. તમામ ખર્ચ સંબંધિત બજેટ હેડ હેઠળ જ કરવામાં આવશે.
આ તમામ કામગીરીઓ માટે કરોડો રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે, જે શહેરના સ્વચ્છતા અને આરોગ્ય માટે જરૂરી છે. પાલિકા દ્વારા આ કામગીરીઓને ઝડપી અને અસરકારક રીતે પૂર્ણ કરવા માટે સ્થાયી સમિતિની મંજૂરી મેળવવા તજવીજ હાથ ધરાઈ છે.