MSUની પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી ખાતે વિદ્યાર્થીઓએ અર્પિ શ્રદ્ધાંજલિ :
( પ્રતિનિધિ )વડોદરા,તા.16
પ્રખ્યાત તબલાવાદક પદ્મશ્રી પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી સન્માનિત ઉસ્તાદ ઝાકીર હુસેનજીના દુઃખદ અવસાનને લઇ મ્યુઝિક કોલેજ વડોદરા ખાતે આજે તાલાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોએ 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
કલા જગતનું દિગ્ગજ નામ અને જેમને પોતાની સંપૂર્ણ જિંદગી તબલા વાદન માટે સમર્પિત કરી દીધી એવા પ્રખ્યાત તબલાવાદક પદ્મશ્રી પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી સન્માનિત તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસેનજીનું સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું છે. સમગ્ર કલા જગતથી લઈને વિશ્વભરમાં આ સમાચારને લઈને શોકની લાગણી વ્યાપી છે ત્યારે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પર્ફોર્મિંગ આર્ટ્સ મ્યુઝિક કોલેજ ખાતે આજે તેમને શ્રદ્ધા સુમન અર્પણ કરવા હેતુ તાલાંજલિ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં તબલા વાદકો જોડાયા હતા. મ્યુઝિક કોલેજના પ્રોફેસર અને સ્ટાફ પણ આ શ્રદ્ધા સુમન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. નોંધનીય છે કે, જગપ્રસિદ્ધ તબલા વાદક ઝાકિર હુસૈનનું સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં અવસાન થયું છે, એમ તેમના પરિવારે સોમવારે જણાવ્યું હતું. તેમના પરિવારના જણાવ્યા અનુસાર, હુસૈનનું મૃત્યુ આઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસથી ઉદ્ભવેલી જટિલતાઓને કારણે થયું હતું. તેઓ 73 વર્ષના હતા. તેઓ છેલ્લા બે અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ હતા. બાદમાં તેમની તબિયત બગડતાં તેમને આઈસીયુમાં લઈ જવામાં આવ્યા હતા.હુસૈનને તેમની કારકિર્દીમાં ચાર ગ્રેમી એવોર્ડ મળ્યા છે, જેમાં આ વર્ષની શરૂઆતમાં 66મા ગ્રેમી એવોર્ડમાં જ તેમને ત્રણ ગ્રેમી એવોર્ડ્સનો સમાવેશ થાય છે. છ દાયકાની સુદીર્ઘ કારકિર્દીમાં, હુસૈને ઘણા પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય અને ભારતીય કલાકારો સાથે કામ કર્યું હતું, પરંતુ અંગ્રેજી ગિટારવાદક જ્હોન મેકલોફલિન, વાયોલિનવાદક એલ શંકર અને પર્ક્યુશનિસ્ટ ટી એચ ‘વિક્કુ’ વિનાયક્રમ સાથેના તેમના 1973ના મ્યુઝિકલ પ્રોજેક્ટમાં તેઓ ભારતીય શાસ્ત્રીય સંગીત અને સંગીતના ઘટકોને તેઓ સાથે લાવ્યા હતા. ભારતના સૌથી પ્રખ્યાત શાસ્ત્રીય સંગીતકારોમાંના એક તબલાવાદક હુસૈનને 1988માં પદ્મશ્રી, 2002માં પદ્મ ભૂષણ અને 2023માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહાન તબલાવાદક અલ્લારખાના મોટા પુત્ર ઝાકિર હુસૈન તેમના પિતાના પગલે ચાલ્યા અને ભારત અને સમગ્ર વિશ્વમાં પોતાનું નામ બનાવ્યું હતું. હુસૈનને તેની કારકિર્દીમાં પાંચ ગ્રેમી એવોર્ડ મળ્યા છે, જેમાંથી ત્રણ આ વર્ષની શરૂઆતમાં 66મા ગ્રેમી એવોર્ડમાં આવ્યા હતા.