ગઠીયાએ હોર્ન મારતા પતિએ આગળ નીકળવા સાઈડ આપી ત્યારે પાછળ બેઠેલા શખસે અછોડો તોડ્યો
વડોદરા તારીખ 9
ગોત્રી વિસ્તારમાં રહેતી મહિલા પતિ સાથે પોતાના પિયર ગયા હતા. ત્યાંથી જમીને રાત્રિના સમયે દંપતિ બાઈક પર ઘરે પરત આવી રહ્યું હતું તે દરમિયાન પાછળથી આવેલા બાઇક સવાર ગઠીયા પૈકી પાછળ બેઠેલા શખ્સ એ મહિલાના ગળામાંથી સોનાનું રૂપિયા 51 હજારનું મંગળસૂત્ર તોડીને લીધું હતું. ત્યારબાદ તેઓ પૂરઝડપે રફુચક્કર થઈ ગયા હતા. મહિલાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં બાઇક સવાર અછોડાતોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરમાં અછોડા તોડ ગેંગનો આતંક દિન પ્રતિ દિન વધી રહ્યો છે, તાજેતરમાં જ ગોરવા વિસ્તારમાંથી મહિલાના ગળામાંથી સોનાની ચેન તોડીને ગઠિયા ભાગી ગયા હતા. વધુ એક કિસ્સો અછોડ તોડનો બનાવ સામે આવ્યો છે. જેમાં એવી વિગત છે કે વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી જળધારા સોસાયટીમાં રહેતા કસ્તુરબા ઉર્ફે કાજલબેન નિલેશ કુમાર મીસ્ત્રી 7 જૂનના રોજ તેમના પતિ સાથે પિયર હરી હરેશ્વર મહાદેવ મંદિરની બાજુમા સારા કોલોની ખાતે ગયા હતા અને રાત્રિના સમયે ત્યાંથી જમીને આશરે અગિયાર વાગ્યાના અરસામાં બાઇક પર દંપતિ ઘરે પરત આવી રહ્યું હતું. દંપતિ યોગા સર્કલથી ફરી ઘરે પરત આવવાનુ વિચાર્યું હતું અને બાઈક પર ઘડીયાળ સર્કલથી યોગા સર્કલ તરફ જઈ રહ્યા હતા. તે સમય દરમિયાન પંજાબ નેશનલ બેંક પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે પાછળથી સ્પોર્ટ્સ બાઈક પર આવતા ગઠીયાઓ હોર્ન મારવા લાગ્યા હતા. જેથી પતિએ તેઓને સાઈડ આપતા સ્પોર્ટ બાઈક લઈ આવેલા બે શખ્સો પૈકી પાછળ બેઠેલા ગઠીયાએ ચાલુ બાઇક પર જ મહિલાએ ગળામાં પહેરેલું રૂ. 51 હજારનું સોનાનુ મંગળસુત્ર આંચકી લીધા બાદ તેઓ યોગા સર્કલ તરફ ભાગી ગયા હતા. રાત્રીનો સમય હોય અંધારા ના કારણે બાઈક નો નંબર પણ જોઈ શકાય ન હતો. જેથી મહિલાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં બાઇક સવાર બે ગઠિયા વિરુદ્ધ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બે અછોડા તોડને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.