કેળવણીકાર ગજુભાઈ બધેકા પ્રાથમિક શાળા બહાર ગંદકીનું સામ્રાજ્ય :
બાળકોના સ્વાસ્થ્ય ઉપર અસર પડશે તો જવાબદારી કોની : પીનાકીન પટેલ



( પ્રતિનિધિ )વડોદરા,તા.24
વડોદરા શહેરમાં સ્વચ્છતાની વાતો કરતા શાસકોને સત્તાધીશો હવે વામણા પુરવાર થઈ રહ્યા હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. પાલિકા હદની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાની બહાર જ ગંદકીના ઢગ પડ્યા છે. ત્યારે આ શાળામાં અભ્યાસ કરતા આશરે 900 જેટલા બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે શાળાના સિનિયર શિક્ષકે નારાજગી દર્શાવી હતી.
વડોદરા શહેરમાં એક તરફ પાલિકા તંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે છે લોકોને પણ ગંદકી નહીં કરવા અપીલ કરવામાં આવે છે. પરંતુ જ્યારે પણ આવી કોઈ ફરિયાદો પાલિકામાં મળતી હોય છે ત્યારે તેનું નિરાકરણ થતું નથી તેની વરવી વાસ્તવિકતાનો ઉત્તમ નમૂનો જોવા મળ્યું છે. વડોદરા શહેરના મકરપુરા એરફોર્સ ની પાછળ આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની કેળવણીકાર ગજુભાઈ બધેકા પ્રાથમિક શાળા બહાર ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે. વારંવાર વોર્ડ કક્ષાએ અધિકારીઓને તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુખ્ય કચેરીમાં પણ રજૂઆતો કરી હોવા છતાં પણ તંત્રના પેટનું પાણી ચાલતું નથી. ત્યારે બાળકના સ્વાસ્થ્ય પર અસર પડશે તો જવાબદારી કોની તેવા સવાલો ઉઠવા પામ્યા છે.
કેળવણી કાર ગજુભાઈ બધેકા પ્રાથમિક શાળાના સિનિયર શિક્ષક પિનાકીન ભાઈએ જણાવ્યું હતું કે ખરેખર અમને દુઃખ થાય છે. પરંતુ આ બાબતે અમોએ વારંવાર શાળાના લેટરપેડ ઉપર વોર્ડ ઓફિસમાં પણ જાણ કરેલી છે તેમજ અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી તેમજ ચેરમેનને પણ જાણ કરેલી છે. ચેરમેન દ્વારા બે વખત રૂબરૂ મુલાકાત લીધેલી છે અને શાસનાઅધિકારીએ પણ મુલાકાત લીધેલી છે અને તેઓ પણ આ ગંદકીથી ખૂબ જ ચિંતિત છે. પરંતુ જ્યારે જ્યારે અમે અહીંયા રજૂઆત કરી છે. ત્યારે અમને એવું કહેવામાં આવે છે કે આ ટીપી 13નો રસ્તો છે અને ભવિષ્યની અંદર રોડ બનશે. પરંતુ, આ રોડનું નિરાકરણ આવ્યું નથી તેમજ આગળ તમે જોશો કે, અત્યારે આગળ શાકભાજીની લારીઓ છે. એ શાકભાજીની લારીઓવાળા રાત્રે અહીંયા કચરો ફેંકતા હોય છે અને તેમજ આજુબાજુના જે વિસ્તારના લોકો છે એ નગરોના હોય છે કે સોસાયટીના હોય એ પણ સવારે પાંચ કલાકે વહેલા ઉઠી અને આ બાજુ શાળાની આગળ જ ગંદકી કરતા હોય છે. ત્યારે આ શાળાની અંદર સવાર બપોર અને બાલવાડીના મળીને કુલ 800 થી 900 બાળકો અભ્યાસ કરે છે અને ખરેખર ચિંતા વ્યાજબી છે કે અમારા બાળકોના સ્વાસ્થ્ય સાથે પણ આ ચેડાં થઈ રહ્યા છે. જે ગંભીર બાબત છે.
