Vadodara

વડોદરા : નેશનલ હાઇવે 48 પર જીએસએફસી બ્રિજ પાસે કન્ટેનરમાંથી રૂ.62.19 લાખનો દારૂ ઝડપાયો

હરિયાણા થી લાકડાના ભુસાની થેલીઓની આડમાં દારૂની પેટીઓ સંતાડીને કચ્છ તરફ લઈ જતા કન્ટેનરને સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડ્યું

વિદેશી દારૂ, કન્ટેનર અને લાકડાનો ભુક્કો મળી રૂપિયા 80. 82 લાખનો મુદ્દા માલ કબજે

ડ્રાઇવર ક્લીનરની ધરપકડ, દારૂના બે સપ્લાયર અને મંગાવનાર મળી ત્રણને વોન્ટેડ જાહેર કર્યા

વડોદરા તારીખ 10
વડોદરા શહેર પાસેથી પસાર થતા નેશનલ હાઇવે 48 પરથી હરિયાણાથી કચ્છ ખાતે ડીલીવરી આપવા માટે જઈ રહેલા રૂપિયા 62.19 લાખના વિદેશી દારૂ ભરેલા કન્ટેનરને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે છાણી પોલીસ સ્ટેશનની હદમાં આવતા જીએસએફસી બ્રિજ પાસેથી ઝડપી પાડયું હતું. કન્ટેનરમાં લાકડાના ભુસાની થેલીઓની પાછળ વિદેશી દારૂની પેટીઓ સંતાડેલી હતી.

એસએમસીએ વિદેશી દારૂનો, જથ્થો કન્ટેનર અને લાકડાના ભુસાની થેલીઓ મળી રૂપિયા 80.82 લાખના મુદ્દા માલ સાથે ડ્રાઇવર અને ક્લીનરની ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે છાણી પોલીસ સ્ટેશનમાં સોપ્યા છે. જ્યારે દારૂના બે સપ્લાય તેમજ મંગાવનાર મળી ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે.
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આ તહેવાર દરમિયાન દારૂની રેલમછેલ કરવા માટે બુટલેગરોએ મોટી માત્રામાં દારૂનો સ્ટોક કરવાનું શરૂ કરી દીધું છે. અન્ય રાજ્યમાંથી વિદેશી દારૂનો જથ્થો બુટલેગરો મંગાવી રહ્યા છે. જેને લઈને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પણ એક્ટિવ થઈ ગઈ છે. 9 ઓક્ટોબરના રોજ મોડી રાત્રિના સમયે એસએમસીની ટીમને બાતમી મળી હતી કે એક નાગાલેન્ડ પાસીંગના કન્ટેનરમાં લાકડાના ભુસાની આડમાં વિદેશી દારૂની પેટીઓ સંતાડીને હરિયાણા થી કચ્છ લઈ જવાના છે અને આ કન્ટેનર છાણી પોલીસ સ્ટેશનની હદમાં આવતા નેશનલ હાઈવે 48 પર જીએસએફસી બ્રિજ પાસે ઊભું છે.
એસ એમ સી ની ટીમ આ બાતમી મુજબના સ્થળ પર ત્રાટકી હતી અને દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું હતું. કન્ટેનરમાં બેઠેલા ડ્રાઇવર અને ક્લીનરને નીચે ઉતાર્યા બાદ બંનેને સાથે રાખી તપાસ કરતા લાકડાના ભુસાની આડમાં થેલીઓની પાછળ વિદેશી દારૂની પેટીઓ સંતાડેલી હતી. જેથી એસએમસી દ્વારા રૂપિયા 62.19 લાખનો વિદેશી દારૂ, કન્ટેનર રૂપિયા 15 લાખ લાકડાનો ભુસુ રૂ. 3.97 લાખ કુલ મળી રૂપિયા 80.82 લાખના મુદ્દા માલ કબજે કરીને સતવીર સિંઘ કાશ્મીર સિંઘ વાલ્મિકી અને મનજીત રાજેન્દ્ર કુમાર શર્માને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે છાણી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે. જ્યારે દારૂનો જથ્થો મોકલનાર હરિયાણાના સપ્લાયર રીસીરાજ અને રાકેશ જાટ તેમજ દારૂ મંગાવનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ પહેલા જ દશરથ પાસેના એક ગોડાઉનમાંથી અઢી કરોડ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. જેમાં છાણી પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા ત્યારે ફરી વાર મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો છે ત્યારે શું ઉચ્ચ અધિકારી દ્વારા એક્શન લેવામાં આવશે ?

Most Popular

To Top