આખરે શાળાઓનો સમયમાં કરાયેલા ફેરફારનો પરિપત્ર રદ કરાયો :
વિવાદ ઉભો થયા પછી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં એક સરખો સમય સુનિશ્ચિત કરવામાં આવ્યો :
( પ્રતિનિધિ )વડોદરા,તા.4
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ રમઝાન માસને લઈને કેટલીક શાળાઓના સમયમાં ફેરફાર કર્યો હતો. ખાસ કરીને મુસ્લિમ વિસ્તારમાં આવેલી શાળાઓનો સમય ઘટાડી દેવામાં આવ્યો હોવાનો એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જેના કારણે ભારે વિવાદ થયો હતો. જેથી સમિતિ દ્વારા બેઠક બોલાવી ઠરાવ કરી આગામી પરીક્ષાના બહાના હેઠળ શિક્ષણ સમિતિએ તમામ શાળાઓના સમયમાં ફેરફારના તમામ પરિપત્રો રદ કરવાનો નિર્ણય કર્યો હતો.

મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. જે શરૂ થાય તે પૂર્વે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મુસ્લિમ વિસ્તારમાં આવેલી કેટલીક શાળાના સમયમાં ફેરફાર કર્યો હતો અને તેના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ શાળાઓના સમયમાં જે ફેરફાર કર્યો તેના કારણે ભારે વિવાદ થયો હતો અને અનેક આક્ષેપો પણ શરૂ થયા હતા. જેને લઈ સમિતિ દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી. જે બેઠકમાં શાળાના સમય અંગે સભ્યોએ મનોમંથન કર્યું હતું અને તે બાદ ઠરાવ કરવામાં આવ્યો હતો કે આગામી દિવસોમાં શરૂ થનારી પરીક્ષાને ધ્યાનમાં રાખીને તથા બાળકોના ભણતરને નુકસાન ન પહોંચે તેના કારણે શાળાના સમયમાં ફેરફારના તમામ પરિપત્રો રદ કરી દેવામાં આવે છે. આ ઠરાવના આધારે કેટલીક શાળાના સમયમાં જે ફેરફાર કરવામાં આવ્યો હતો તે પણ આપોઆપ દૂર થઈ ગયો છે. આમ વિવાદ ઉભો થયા પછી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં હવે એક સરખો સમય સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.

મુસ્લિમ બાળકો જ્યાં વધારે હતા એમની અરજી આવી એના આધારે અમે યાદ કરીને પરિપત્ર કર્યો હતો :
વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે આ પરિપત્ર કરેલો હતો પણ માત્ર એવું થયું હતું કે, જે રજાઓના પરિપત્રમાં આપણે લખીએ છીએ. એની જગ્યાએ લખવાનું બાકી રહી ગયું હતું. એટલે જે તે શાળાઓમાં મુસ્લિમ બાળકો જ્યાં વધારે હતા એમની અરજી આવી એના આધારે અમે યાદ કરીને પરિપત્ર કર્યો હતો. આજની બેઠકમાં એ પ્રમાણે નિર્ણય કર્યો કે માર્ચ મહિનો શરૂ થયો. હવે માર્ચ એપ્રિલ બે જ મહિના આપણી પાસે છે. એટલે શાળા સમય બાબતે જેટલા પણ હોય એટલા પરિપત્ર રદ કરવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો છે. આ વર્ષે તો આ કર્યો છે પણ આગામી વર્ષમાં જે કાંઈ પણ આ પ્રકારના સમયને લગતા પરિપત્ર હોય એ અધ્યક્ષની મંજૂરી મેળવ્યા બાદ થશે. હાલના તમામ પરિપત્ર રદ કર્યા છે : શ્વેતાબેન પારગી શાસનાધિકારી
