સાંઈદીપ નગર સોસાયટીમાં આવેલા મહાદેવ મંદિરમાં પાણી નહીં આવતા ભક્તોને હાલાકી

( પ્રતિનિધિ )વડોદરા,તા.31
વડોદરામાં નાગરિકો બાદ હવે ભગવાનના મંદિરો પણ પાણીથી વંચિત જોવા મળ્યા છે. ન્યુ.વીઆઇપી રોડ પર આવેલી સાંઈદીપ નગર સોસાયટીમાં આવેલા મહાદેવના મંદિરમાં મહાદેવને જળાભિષેક કરવા માટે પાણી નથી. જેના કારણે ભક્તોએ તંત્ર સામે પોતાનો રોષ પ્રગટ કર્યો હતો.

સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં ઉનાળાના પ્રારંભે શરૂ થયેલો પાણીનો કકળાટ આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે. લોકોની સાથે સાથે હવે ભગવાનના મંદિરોમાં પણ ભગવાનને જળ ચડાવવા માટે પાણી નથી. શહેરના વોર્ડ નંબર ચારમાં સમાવિષ્ટ ન્યુ વીઆઇપી રોડ ઉપર આવેલી સાંઈદીપ નગર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા ઉદભવી છે. આ સોસાયટીમાં મહાદેવનું મંદિર આવેલું છે. દરરોજ સવારે ભક્તો આ મંદિરમાં દર્શનાર્થે આવે છે. મહાદેવને જળાભિષેક કરે છે. પરંતુ આ મંદિરમાં પીવાના પાણીની લાઈન છે, પણ પાણી નથી આવતું. મજબૂરીવસ થઈને ઘણી વખત મોટરથી પાણી ખેંચીને ટાંકીમાં ચડાવવું પડે છે. જોકે હવે તો બિલકુલ પાણી આવતું નથી. જેના કારણે ભક્તો મહાદેવને જળાભિષેક નહીં કરી શકતા આ બાબત ગંભીર ગણાવી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ઉર્મિલા બેને જણાવ્યું હતું કે દોઢથી બે વર્ષથી આ સમસ્યા છે. મોટર લાવીને પાણી ખેંચી ઉપર ટાંકીમાં ચડાવવું પડે છે અને કોર્પોરેશન મોટર જપ્ત કરે છે. તમે પાણી આપો તો કોઈ મોટર લગાવે નહીં. ભગવાનને પાણી ચઢાવવા માટે ટાંકી ખાલી છે. પાણી બિલકુલ આવતું નથી. આ ગંભીર બાબત કહેવાય. તંત્રે જાગવું જોઈએ. કયા કારણોસર આ પાણી નથી આવતું,એનો યોગ્ય નિકાલ લાવવો જોઈએ. આ સોસાયટીમાં સાડી ત્રણસો મકાનો છે. ઘરોમાં પણ પાણી નથી આવતું. આજદિન સુધી કોઈ પૂછવા પણ નથી આવ્યું કે તમને શું તકલીફ છે. સૌથી મોટી જરૂરિયાત છે. આજે પાણી વગર જીવન કેવી રીતે જીવાય પાણી નથી તો કશું જ નથી. મંદિર આવ્યા છો. અન્ય એક વૃદ્ધ મહિલા ભક્તે જણાવ્યું હતું કે હું મારા દીકરાને ત્યાં આવી છું. જ્યારે અહીં આવું ત્યારે આ મંદિરમાં ચોક્કસ હું આવું છું. આજે આવી તો પાણી ન મળ્યું ભગવાન ભોળાનાથને ચડાવવા માટે, તો અહીંથી કોઈકે મને પાણી આપ્યું. જે મેં ચડાવ્યું. મંદિરમાં પાણી જ નથી. આટલી મોટી સોસાયટીમાં અને ઉનાળામાં હોતું હશે કે પાણી ના હોય પાણી વિના માણસ શું કરે? શ્વાસે શ્વાસે પાણીની જરૂર પડે આ ખૂબ ગંભીર બાબત કહેવાય.