ગોરખધંધા ચાલીજ રહ્યા હોય અસામાજિક પ્રવૃત્તિ વધશે :
( પ્રતિનિધિ ) વડોદરા,તા.15
વડોદરા શહેરના દંતેશ્વર રેલવે ડીઆરએમ કચેરી પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શૌચાલય બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. જેની સામે સ્થાનિક સોસાયટીના લોકોએ વાંધો ઉઠાવ્યો છે અને આ શૌચાલય અહીં નહીં બનાવવા માંગણી કરી છે.
પહેલેથી જ દારૂ, ચરસ, ગાંજો જેવા ગોરખધંધા ચાલી રહ્યા છે. તેવામાં અસામાજિક પ્રવૃત્તિઓમાં વધારો થશે તેવા આક્ષેપ સાથે દંતેશ્વર વિસ્તારની સાંઈગણેશ સોસાયટી સહિતની સોસાયટીના રહીશોએ કોર્પોરેશન દ્વારા બનવા જઈ રહેલા શૌચાલયની કામગીરીનો વિરોધ કર્યો છે. વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં રેલ્વે ડીઆરએમ ઓફિસ પાસે સાંઈ ગણેશ સહિતની સોસાયટી આવેલી છે. આ સોસાયટીની સામે કોર્પોરેશન દ્વારા શૌચાલય બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જેને લઇ સ્થાનિક રહેશો એકત્ર થઈ ઉગ્ર વિરોધ કર્યો હતો. અગાઉ આ સ્થળે ઝૂંપડાઓ હતા અને અસામાજિક તત્વોનો અડ્ડો બની રહેતો હતો. ત્યારે તે દૂર કર્યા બાદ આ સ્થળે શૌચાલય બનાવવાની તંત્રની વિચારણાનો સ્થાનિક લોકોએ વિરોધ કરી આ સ્થળે મંદિર અથવા તો બગીચો બનાવે તો કોઈ વાંધો નથી. પણ જો શોચાલય બનાવવામાં આવશે તો અહીંયા પહેલેથી જ અસામાજિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે, તેમાં વધારો થશે તેવા આક્ષેપો પણ કર્યા હતા.