Vadodara

વડોદરા : તમે થાઈલેન્ડ ડ્રગ્સ મોકલાવ્યું છે તેમ કહી ઠગોએ શિક્ષિકા પાસેથી રુ. 90 હજાર ખંખેરી લીધા

વિડીયો કોલમાં વાત કરતા શખ્સને સામે આવવાનું કહેતા ઠગે જ્યાદા હોશિયારી મત કરના, તુમારી સબ ડીટેલ્સ હમારે પાસ હૈ, હમ સબ કુછ કર શકતે હે ઔર તુમહારી જાન કો ભી ખતરા હે તેમ કહી ધમકી આપી
પ્રતિનિધિ વડોદરા તા. 3
વડોદરાના તરસાલી બાયપાસ રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા શિક્ષિકાને ભેજાબાજોએ ફોન કરી કુરિયરમાંથી બોલું છું તમે થાઈલેન્ડ ડ્રગ્સ મોકલાવ્યું હોવાનું નામ ખુલ્યું છે તેમ કહીને રૂપિયા 90 હજાર પડાવી લીધા હતા. ફરી વિડીયો કોલ દ્વારા ધમકાવ્યા કે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. ત્યારે શિક્ષિકાએ પહેલા વિડીયો કોલમાં સામે આવો એવું કહેતા ઠગે જ્યાદા હોશિયારી મત કરના, તુમારી સબ ડીટેલ્સ હમારે પાસ હૈ, હમ સબ કુછ કર શકતે હે ઔર તુમહારી જાન કો ભી ખતરા હે તેમ કહી હેરાન પરેશાન કરી જાનથી ધમકી આપી હતી. પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થતાં શિક્ષિકાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના તરસાલી બાયપાસ રોડ પર આવેલી ધન લક્ષ્મી સોસાયટી માં રહેતા રાગીણીબેન ઝીણાભાઈ રાઠવા (ઉ.વ.35) સરકારી સ્કુલ માણેજા ખાતે આવેલી બાબાજીપુરા સ્કુલ નં.18માં નોકરી કરે છે. ગત 22 ઓગસ્ટના રોજ સવારના સમયે તેમના અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો જેમાં તે વ્યક્તિએ જણાવ્યું હતું કે, હું કુરીયરમાંથી બોલુ છું તમે થાઈલેન્ડ ડ્રગ્સ મોકલ્યું છે. તેમાં તમારું નામ ખુલે છે અને તમારો કોલ દિલ્લી સાયબર ક્રાઈમ પોલીસને ટ્રાન્સફર કરવામાં આવે છે. જેથી તેઓ ઘણા ગભરાઈ ગયા અને શિક્ષિકાએ અહીંની પોલીસને જાણ કરું તેમ કહેતા તેઓએ મને જણાવ્યું કે આ બધી મેટર ગુપ્ત હોય જેથી તમે આ અંગે કોઈને વાત કરશો તો તમારી માહિતી ગુપ્ત રહેશે નહીં અને તમે ફસાઇ જશો. અમે જે કહીએ છીએ તે રીતે કાર્યવાહી કરી તો તમારો નિકાલ થઈ જશે. ત્યારબાદ તે વ્યક્તિએ તમારી કોલ દિલ્હી સાયબર ક્રાઇમ ટ્રાન્સફર કરીએ છીએ તેની સાથે વાત કરો તેમ કહ્યું હતું. થોડીવારમાં જ બીજા નંબર ઉપરથી વીડિયો કોલ બે-ત્રણ વાર આવ્યા હતા. જેમાં સામેવાળી વ્યક્તિએ તેનું નામ સુનિલ કુમારનું બતાવ્યું હતું. પરંતુ વિડીયો કોલમાં કોઈ વ્યકતિ દેખાતા ન હોય મહિલાએ જણાવ્યું હતું કે કોઈ વ્યકતિ કેમ દેખાતા નથી ફકત વિડીયો જ ચાલુ છે ?’ તો અમારી ગુપ્તતા રાખવાની પોલીસી છે તેમ કહી તેમને ખોટા કેસમાં ફસાવી દેવાનું કહી તેઓથી બચવા માટે સમજાવતા તેમની વાતોમાં આવી ગયા હતા અને તેઓના કહ્યા મુજબ મહિલાએ રુ.90 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરી આપ્યા હતા. જેમાં તેઓનું નામ અનિલ ચૌધરીનું જણાયું હતું. ત્યારબાદ તેઓતો થોડીવાર પછી તેઓનો ફરીથી તે જ દિવસે સાંજના ફરીથી વિડીયો કોલ કરી બીજું ઇન્વેસ્ટીગેશન ચાલુ કરવાનું જણાવતા તેઓને મહિલાએ કહ્યું હતું કે પહેલા તમે 90 હજાર પરત કરો તો જ વાત કરીશો અને વિડીયો કોલમાં સામે આવો કહેતા ઠગે ગુસ્સે થઈ જ્યાદા હોશિયારી મત કરના, તુમારી સબ ડીટેલ્સ હમારે પાસ હૈ, હમ સબ કુછ કર શકતે હે ઔર તુમહારી જાન કો ભી ખતરા હે તેમ કહી મને હેરાન પરેશાન કરી જાનથી વિડીયોકોલમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મકરપુરા પોલીસે મહિલાની ફરિયાદ ના આધારે ઠગો વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.

Most Popular

To Top