શું સુરત વ્યારામાં ગાયોની અછત છે?
વડોદરા મહાનગરપાલિકા ની ઢોરડબ્બા શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કે જ્યાં રસ્તાઓ ઉપર ઢોર રખડતા હોય છે તેમને પકડીને લાલબાગ ખાતે આવેલ ઢોરડબ્બા ખાતે લાવવામાં આવે છે. જે માટે તંત્ર દ્વારા ઝુંબેશ પણ ચલાવવામાં આવે છે. જેમાં મુખ્યત્વે રખડતી ગાયોને પકડવામાં આવતી હોય છે. પરંતુ આ કાર્યવાહી બાદ આગળ શું થાય છે તે જાણવું ખૂબ મહત્વનું છે. જે દ્રશ્યો મીડિયાની સામે આવ્યા હતા જેમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા પકડેલ આ ગાયોને વડોદરાની બહાર મોકલવામાં આવતી હતી. જે જોવાથી થોડું શંકાસ્પદ પણ લાગી રહ્યું હતું. કેમકે પાછલા ઘણા દિવસોમાં પોલીસ દ્વારા મોટી માત્રામાં ગૌમાંસ પકડવામાં આવ્યું હતું. સવાલ એ હતો કે આ ગાયોને ક્યાં મોકલવામાં આવી રહી હતી.
જે સમયે લાલબાગ ઢોર ડબ્બા ખાતેથી 10 ગાયોને વડોદરા મહાનગરપાલિકા ની 2 ગાડીઓમાં વડોદરાની બહાર મોકલવામાં આવી રહી હતી તે સમયે કોંગ્રેસના નેતા મહેશ સોલંકી ની નજર તેના પર પડી હતી. જે બાદ તેમના દ્વારા પૂછપરછ કરાતા જાણવા મળ્યું હતું કે આ ગાયોને સુરત જિલ્લા ના વ્યારા ખાતે મોકલવામાં આવી રહી હતી. અને તેઓને સંસ્થાનો એક પત્ર બતાવવામાં આવ્યો હતો. પરંતુ તેનાથી બધા પ્રશ્નોનાં ઉત્તર મળી રહ્યા ન હતા. સવાલ તો એવા ઉભા થાય છે કે આ પ્રકારે કોર્પોરેશન દ્વારા પકડેલ ગાયોને શહેર જિલ્લાની બહાર કેમ મોકલવામાં આવે છે ? અને તે પણ એક સંસ્થા પાસે આ ગાયોને કેમ મોકલવામાં આવી રહી છે ? શું આ એક કોઈ બહુ મોટું કૌભાંડ છે ? શું પકડેલ ગાયોને વેચવામાં આવી રહી છે ?
કોંગ્રેસના નેતા મહેશ સોલંકી એ જણાવ્યું હતું કે તેમના દ્વારા અધિકારીને આ બાબતે પૂછપરછ પણ કરવામાં આવી પરંતુ સંતોષકારક જવાબ મળ્યો નહોતો. ક્યાંક ને ક્યાંક આ રીતે ગાયોને રજા ના દિવસે વડોદરા જિલ્લાની બહાર એક સંસ્થાને કેમ પાઠવવામાં આવી રહી છે. સુરતની જે સંસ્થા છે, ત્યાં શું આ ગાયો સુરક્ષિત રહેશે ખરી ? આ પ્રકારના સૌદા કોના દ્વારા કરવામાં આવી રહ્યા છે ? તેમણે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે તેમના દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનરને પણ આ બાબતે જાણ કરવામાં આવશે અને આ મુદ્દે વધુ તપાસ થાય તે માટે રજૂઆત પણ કરવામાં આવશે.