વડોદરા: વડોદરા જિલ્લા ભાજપના નવા પ્રમુખ કોણ બનશે, તે મુદ્દે છેલ્લા કેટલાય સમયથી અટકળો ચાલી રહી હતી. વિવિધ સમીકરણો વચ્ચે અનેક નામો ચર્ચાઈ રહ્યા હતા, પણ આખરે આ તમામ અટકળોનો અંત આજે આવી ગયો છે. ઓબીસી મોરચાના પૂર્વ પ્રમુખ રહેલા રસિક પ્રજાપતિ હવે વડોદરા જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે.
આજ રોજ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી તથા ક્લસ્ટર ઇન્ચાર્જ ભુપેન્દ્રસિંહ ચુડાસમા વંદે કમલમ, વડોદરા ખાતે બંધ કવર લઈને પહોંચ્યા હતા. પહેલા જિલ્લા ભાજપના હોદ્દેદારો, ધારાસભ્યો તથા સાંસદોની સંકલન બેઠક યોજાઈ હતી. ત્યારબાદ નવા પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી હતી.
જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સતીશ પટેલે રસિક પ્રજાપતિના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશીએ ટેકો આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય અક્ષય પટેલ, ચૈતન્યસિંહ ઝાલા, પૂર્વ પ્રમુખ અશ્વિન પટેલ અને દિલુભા ચુડાસમા હાજર રહ્યા હતા.