- અંગત કારણોસર અને પારિવારિક જવાબદારીના કારણે રાજીનામુ આપ્યું
- કાર્યકર તરીકે સક્રિય રહીશ : જનક પરમાર
વડોદરા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે ફરજ બજાવતા જનક પરમારે સોમવારે પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યું છે. તેઓએ કાર્યકર તરીકે સક્રિય રહેવાનું જણાવ્યું હતું અને અંગત કારણોસર પ્રમુખપદેથી રાજીનામુ આપ્યું હોવાનું જણાવ્યું હતું
કોંગ્રેસમાં સોળ સાંધે ત્યાં અઢાર તૂટે જેવી સ્થિતિ જોવા મળી રહી છે. એક બાદ એક કાર્યકરો તો રાજીનામુ આપી કોંગ્રેસનો હાથ છોડી રહ્યા છે ત્યારે આગામી લોકસભાની ચૂંટણી માથે છે તેવામાં પાયાના અને સંગઠનને મજબૂત કરવાની જવાબદારી જેઓને સોંપવામાં આવી છે તેઓ પણ જવાબદારીમાંથી મુક્ત થઇ રહ્યા છે. ત્યારે વડોદરા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જનક પરમારે પોતાના પ્રમુખ પદેથી રાજીનામુ આપી દીધું છે. જનક પરમારે ગુજરાત મિત્ર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ” મારા અંગત કારણોસર રાજીનામુ આપ્યું છે. પારિવારિક જવાબદારી સાથે પદની જવાબદારીને ન્યાય નથી આપી શકતો જેથી રાજીનામુ આપ્યું છે. કાર્યકર તરીકે સક્રિય રહીશ.”
અત્રે ઉલ્લેખનીય છે કે જશપાલ સિંહ પઢીયાર લોકસભાના ઉમેદવાર નક્કી હતા જેથી બે મહિના અગાઉ તેઓની કાર્યકારી પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી હતી અને લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તેઓ સંગઠનને મજબૂત બનાવવાની જવાબદારીમાંથી મુક્ત થવા માટે પ્રદેશ કક્ષાએ રાજીનામુ મોકલી આપ્યું છે.