દરરોજ 50 થી 60 કેસ, HMPV વાયરસના કેસ હજુ સુધી નોંધાયા નથી
વડોદરા જિલ્લામાં દરરોજ સરેરાશ 50 થી 60 શરદી-ખાંસીના કેસ નોંધાઈ રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને આરોગ્ય તંત્ર સંપૂર્ણ સજ્જ છે. જિલ્લામાં 11 કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC), 42 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC), 4 અર્બન હેલ્થ સેન્ટર અને 177 આયુષ્માન આરોગ્ય કેન્દ્રોનું રોજબરોજ ઓનલાઈન મોનીટરીંગ કરવામાં આવે છે.
વડોદરા જિલ્લાના ઇન્ચાર્જ CDHO શૈલેષ સુતરીયાએ માહિતી આપી હતી કે HMPV વાયરસને લઈને આરોગ્ય તંત્ર સાવચેતીના પગલા લઈ રહ્યું છે. જિલ્લા સ્તરે દિવસભર વિડીયો કૉલ દ્વારા તમામ આરોગ્ય કેન્દ્રોના કર્મીઓ સાથે ચર્ચાઓ કરવામાં આવે છે અને દિવસભર આવતા કેસને લઈને ચર્ચા કરવામાં આવે છે, સાથે જ HMPV વાયરાને લઈને યોગ્ય જાણકારી પણ તમામ કર્મીઓને આપવામાં આવે છે. જિલ્લામાં હાલ શરદી-ખાંસીના કેસો વધી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈપણ HMPV વાયરસના કેસ નોંધાયા નથી. આરોગ્ય વિભાગ તમામ દર્દીઓના આરોગ્ય પર નજર રાખી રહ્યું છે અને જો કોઈપણ શંકાસ્પદ કેસ મળે તો તેને તાત્કાલિક મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએસજીમાં રિફર કરવામાં આવશે.
જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા નાગરિકોને પણ સાવધાની રાખવા માટે સૂચના આપવામાં આવી છે. શરદી ખાંસી જેવું લાગે તો માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને જરૂર પડે તો તબીબી સલાહ લેવી તેવું કહેવામાં આવ્યું છે.
