હવામાન વિભાગની આગાહીના પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ
વડોદરા: હવામાન વિભાગ દ્વારા વડોદરા જિલ્લામાં આગામી સાત દિવસ દરમ્યાન ભારેથી મધ્યમ વરસાદની આગાહીના પગલે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ થયું છે. તંત્રે વડોદરા જિલ્લામાં આગામી સાત દિવસમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહીને ધ્યાને રાખીને સાવચેતી અને તકેદારીના પૂરતા પગલાં લેવા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી છે.
આગામી ૭ દિવસ દરમિયાન વડોદરા જિલ્લામાં તાલુકાના કાર્યક્ષેત્રમાં આવતાં રસ્તાઓ, માર્ગો પરના વૃક્ષો ભારે વરસાદ દરમિયાન પડી જવાની સંભાવના હોય તો તે અંગે પણ સંબંધિત કચેરી મારફતે યોગ્ય ઘટતી કાર્યવાહી થાય, તે માટે તાકીદ સહ જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે.
તદુપરાંત એવા સ્થળો કે રસ્તાઓ કે જ્યાં પાણી ભરાવવાની શક્યતાઓ રહેતી હોય, તેવા સ્થળો અને રસ્તાઓ ખાતે પણ વર્ષાઋતુ દરમિયાન પાણીનો ભરાવો ન થાય તે માટે સ્થાનિક તંત્રને જરૂરી આયોજન સાથે તકેદારીના પગલા લેવા જણાવ્યું છે.