Vadodara

વડોદરા જિલ્લાના નદી કિનારે હોળી-ધુળેટીએ ન્હાવા પર સખત પ્રતિબંધ, જાહેરનામું બહાર પડાયું

તહેવારો દરમિયાન નદીઓમાં ન્હાવા જવાથી પાણીમાં ડૂબી જવાના ગંભીર બનાવો ભૂતકાળમાં બન્યા છે

માનવ જિંદગીને જોખમ ન થાય અને સુરક્ષા જળવાઈ રહે તે માટે આ તકેદારી રાખવામાં આવી છે

(પ્રતિનિધિ), વડોદરા. તા.27

આગામી હોળી અને ધુળેટીના તહેવારો દરમિયાન નદીઓમાં ન્હાવા પડવાથી થતી ડૂબી જવાની દુર્ઘટનાઓ અટકાવવા માટે વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી બી. એસ. પટેલે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-2023 ની કલમ-163 હેઠળ સત્તાનો ઉપયોગ કરી, જિલ્લાના વિવિધ નદી કિનારાઓ પર ન્હાવા જવા કે અવરજવર કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ નીચે દર્શાવેલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા નદી કિનારાના વિસ્તારોમાં પ્રવેશબંધી રહેશે.

  • મહીસાગર નદી કિનારો :-
    સાવલી પો.સ્ટે.: લાંછનપુર.
    ભાદરવા પો.સ્ટે.: પરથમપુરા (રા).
    પાદરા પો.સ્ટે.: મુજપુર, એકલબારા, જાસપુર, ઉમરયા ગામ.
    વડુ પો.સ્ટે.: ડબકા, ચોકારી, સુલતાનપુરા, મહંમદપુરા, તિથોર.
    ડેસર પો.સ્ટે.: ઇટવાડ, શિહોરા, વરસાડા.
    વડોદરા તાલુકા પો.સ્ટે.: સિંધરોટ ચેક ડેમ.
  • નર્મદા નદી કિનારો :-
    કરજણ પો.સ્ટે.: રણાપુર, ફતેપુર, દરોલી, લીલોડ, કહોણા, મોટીકોરલ, શાયર, નાનીકોરલ, ઓઝ, સોમજ, દેલવાડા, નારેશ્વર.
    શિનોર પો.સ્ટે.: દિવેર, માંડવા, બરકાલ અને માલસર.
    ચાણોદ પો.સ્ટે. (વિવિધ ઘાટ): મલ્હાર ઘાટ, કપિલેશ્વર ઘાટ, માળી કુંડળ ઘાટ, ચક્રપાળી ઘાટ, કરનાળી ત્રિવેણી સંગમ, મહાકાળી ઘાટ, કુબેશ્વર ઘાટ અને સોમનાથ ઘાટ.
  • આ જાહેરનામાં અમલીકરણનો સમયગાળો :- આ હુકમ તા.03/03/2026 થી તા.04/03/2026 સુધી અમલમાં રહેશે.
  • મુખ્ય હેતુ :- ભૂતકાળમાં તહેવારો દરમિયાન નદીમાં ડૂબી જવાથી થયેલા કરુણ બનાવોને ધ્યાને રાખી, લોકોની જાનમાલની સુરક્ષા માટે આ પગલું લેવાયું છે.
  • દંડનીય જોગવાઈ :- આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-223 મુજબ કાયદેસરની કાર્યવાહી અને શિક્ષા કરવામાં આવશે.

આ જાહેરનામાના અમલીકરણ અને ભંગ કરનાર સામે ફરિયાદ નોંધવા માટે નાયબ પોલીસ અધિક્ષકથી લઈ હેડ કોન્સ્ટેબલ સુધીના તમામ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાની સુરક્ષા માટે આ નિયમોનું ચુસ્તપણે પાલન કરે.

Most Popular

To Top