સાંસદ ડો.હેમાંગ જોષીએ સ્થાનિક તંત્ર સાથે સંકલન કરી લોકો માટે જમવા રહેવા સહિતની વ્યવસ્થા કરાવી
પ્રતિનિધિ વડોદરા તા.24
વડોદરા શહેરના 23 જેટલા મુસાફરો જમ્મુ કાશ્મીરમાં ફસાઇ ગયા હતા. પહેલગામમાં થયેલા હુમલા બાદ વડોદરાના સાંસદ દ્વારા આ પ્રવાસીઓ માટે ચિંતા કરવા સાથે તેમને પરત લાવવા માટે એક સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરાઇ છે. શુક્રવારે 11.30 વાગે ત્યાંથી નીકળી શનિવારે બપોરના સમયે વડોદરા પહોંચશે. ઉપરાંત સાંસદે ત્યાંના સ્થાનિક તંત્ર સાથે સંકલ કરીને જમવા,રહેવા સહિતના સુવિધા પણ કરાવી આપી છે.
પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ઘણા લોકો ઠાર માર્યા ગયા હતા. જ્યારે અન્ય લોકો ઘવાયા હોય તેમને સારવાર આપવામાં આવી રહી છે. આતંકી હુમલાના ભારત દેશમાં ઘેરા પડઘા પડી રહ્યા છે. આ હુમલા દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ હાજર હતા. જેના કારણે ગુજરાત સહિત અન્ય રાજ્યના પ્રવાસીઓ ત્યાં ફસાઇ ગયા છે. ત્યારે આતંકી હુમલાના કારણે ઘણા વડોદરાના પ્રવાસીઓ પણ જમ્મુ કાશ્મીરમાં ફસાઇ ગયા હોવાના કારણે વડોદરાના સાંસદે ચિંતા વ્યક્ત કરી હતી. જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા વડોદરાના પ્રવાસીઓને સ્પેશિયલ ટ્રેન મારફતે વડોદરા પહોંચી શકે તે માટે સાંસદ દ્વારા રજૂઆત કરાઈ હતી. તેમની રજુઆતને ધ્યાનમાં રાખીને વડોદરાના 23 જેટલા મુસાફરોને જમ્મુથી ટ્રેન નંબર 12472માં વડોદરા લાવવાની વિશેષ વ્યવસ્થા કરાઇ છે. આ કાર્યવાહીને લઈ સાંસદ ડૉ.હેમાંગ જોશીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રેલવે મંત્રી સાથે રાજ્યના મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.આ બાબતે સાંસદ ડો.હેમાંગ જોષીએ જણાવ્યું હતું કે જમ્મુથી વડોદરા આવવા માટે એક ટ્રેનની વ્યવસ્થા કરાઇ છે.જેમાં ટ્રેન 25 એપ્રિલના રોજ 11.30 વાગે ત્યાંથી નીકળી 26 એપ્રિલના રોજ વડોદરા પહોંચશે. હાલમાં પ્રવાસીઓને શ્રીનગરથી જમ્મુ ખાતે સહીસલાતમ રીતે લાવી દેવામાં આવ્યાં છે. ઉપરાંત સાંસદ દ્વારા ત્યાંના સ્થાનિક તંત્ર સાથે સંકલન કરી 23 પ્રવાસીઓની જમવા તથા રહેવા સહિતની તમામ સુવિધા કરી આપવામાં આવી છે.