રહીશોએ કહ્યું કોઈનું મોત થશે ત્યારે આંખો ખુલશે તમારી :
દરરોજ રાત્રે વીજ વાયરોમાં સ્પાર્ક અને વીજ વાયરો બળીને તૂટી પડતા લોકોમાં ફફડાટ :
( પ્રતિનિધિ ) વડોદરા તા.18
સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી નવા સ્માર્ટ વીજ મીટરનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. વળી ક્યાંક શહેરના કેટલાક વિસ્તારોમાં લાઈટો ગુલ થવાની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો બીજી તરફ શહેરના પશ્ચિમ વિસ્તારમાં કેટલીક સોસાયટીઓમાં રાત્રે વીજ વાયરોમાં ધડાકા થઈ રહ્યા છે અને સાથે વાયરો બળીને નીચે પડી રહ્યા છે જેના કારણે લોકોમાં ફફડાટ સાથે ઉગ્ર રોષ ફેલાયો છે.
વડોદરા શહેરમાં સરકારના પાયલોટ પ્રોજેક્ટ નવા સ્માર્ટ વીજ મીટરનો જુદા જુદા વિસ્તારમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે શહેરના ગોરવા હાઉસિંગ બોર્ડ રણછોડરાય નગર અને અનમોલ નગરમાં છેલ્લા 15 દિવસથી લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. દરરોજ રાત્રે વીજ વાયરોમાં સ્પાર્ક સાથે વીજ વાયરો બળીને નીચે પડી રહ્યા છે. છેલ્લા 15 દિવસથી લોકોને રાત્રે કોઈ મોટી ઘટના ન બને તે માટે ઉજાગરા કરવાની ફરજ પડી છે. વીજ કચેરીમાં અનેક વખત રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવતા લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ ફેલાયો છે.
સ્થાનિક રહીશ મુન્નાભાઈએ જણાવ્યું હતું કે, બધી જગ્યા પર ધડાકા અને નીચે વાયરો પડી રહ્યા છે. નીચે કોઈ બાળકો અને વૃધ્ધો કે કોઈપણ વ્યક્તિને હાનિ પહોંચશે તો એની જવાબદારી કોની ? નવું ડીપી ના નખાતું હોય વાયર બદલાતા ન હોય તો સ્પષ્ટ શબ્દોમાં કહી દો તો અમે પછી અમારી ભાષામાં વાત કરીશું. અનેક વખત રજૂઆત કરી કોઈ સાંભળતું જ નથી. માત્ર ટેપ મારીને કર્મચારીઓ જતા રહે છે પછી પરિસ્થિતિ જેવી હતી તેવી જ થઈ જાય છે. દરરોજ રાત્રે 1 વાગ્યે આખી સોસાયટી રસ્તા પર ભીખ માંગતી હોય એ પ્રમાણે અમે માંગી રહ્યા છીએ કે અમને ડીપી આપો. સ્માર્ટ મીટર લગાવતી વખતે કોઈની પરવાનગીની જરૂર નથી. ડાયરેકટ આવીને નાખી જાય અને 2 વર્ષથી અમે ડીપીની માંગણી કરી રહ્યા છે એની કોઈને કશી પડી નથી. સોસાયટીમાં જ્યાં જુઓ ત્યાં વાયરો જ દેખાશે. વોટ માંગવા બધા ઘરે ઘરે આવે છે અને આ સમયમાં અમારી ત્યાંના કોર્પોરેટરો , હોય કે કોઈ પણ આગેવાન હોય કોઈને પડી નથી. કાલ ઉઠીને કોઈ મરશે ત્યારે આંખો ખુલશે તમારી ? દરરોજ સવારે આવીને સાહેબ તમને હાથ નથી જોડવાના , જે દિવસે હાથ જોડવાનો સમય હતો એ વીતી ચુક્યો છે સાહેબ.